vadgamlibrary's Space http://vadgamlibrary.posterous.com Most recent posts at vadgamlibrary's Space posterous.com Sat, 14 Jul 2012 20:02:00 -0700 લગ્નગીતો અને ફટાણાં http://vadgamlibrary.posterous.com/146271213 http://vadgamlibrary.posterous.com/146271213

www.vadgam.com

(પ્રસ્તુત લેખના મૂળ લેખક આદરણિય શ્રી મણિલાલ હ. પટેલ સાહેબે આ લેખ મારા બ્લોગ ઉપર લખવાની પરવાનગી આપી તે બદલ તેઓશ્રી નો આભાર.આ લેખ જે પુસ્તકમાં તેઓશ્રી દ્વારા લખવામાં આવ્યો છે,તે પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતમા આપવામાં આવી છે.)

લોકગીતોના વર્તુળમાં લગ્નગીતો વ્યાસ જેવા છે.બધી જ કોમોને તથા ગોળ-વાડાઓને પોતપોતાના લગ્નગીતો છે.એમાં ઘણા ગીતોમાં સમાનતા મળે.કેટલાક ગીતોમાં શબ્દો ને લય જુદા પણ હોય. થોડાક ગીતો તો દરેક જ્ઞાતિ ને પોતાના આગવાં પણ હોવાનાં જ.વળી જૂની પેઢી દ્વારા ગવાતા લગ્નગીતોમાં નવી પેઢી થોડા ફેરફાર પણ કરે છે. દા.ત.-

 

કાળી કાળી વાદળીમાં વિમાન ઉડે,

નીચેની દુનિયા જોયાં કરે.....

ભણેલા ભૂદરભૈ છાપાં વાંચે

અભણ રેવીવહુ દીવો ધરે !

 

એક જમાનામાં ભણેલા ભૂધરભાઈઓ નામુ લખતા કે કાગળ વાંચતા ને અભણ વહુઓ પાણી ભરતા ને વાંસીદા વાળતા એવી રીતે પણ આવાં ગાણાં ગવાતાં.આજે ભણેલા અમિતભાઈ ટી.વી. જુવે ને અભણ મિતાવહુ સેવા કરે.... એમ ગવાય છે.સમાજજીવનમાં જેમ જેમ પરિવર્તન આવે છેતેમ તેમ લોકગીતોમાં- ખાસ તો લગ્નગીતોમાં પણ એના પડઘા પડે છે.જીવનધોરણ એનું પણ પ્રતિબિંબ ગીતોમાં પડે છે.એ દ્રષ્ટિએ જોઈએ તો બદલાતો સમાજ,એની આંતરિક ગતિવિધિઓને લગ્નગીતો સવિશેષ ઝીલે  છે.લગ્નગીતો હજી પ્રજાજીવનથી વિમુખ નથી થયા.બલકે આજેય એ કૈંક અંશે ગામડામાં તો ગવાય છે. જો કે ગાનારાઓની કોલેજિયન પેઢી (બહુ ઓછી એવી છોકરીઓ મળે જે કોલેજ-ભણતી હોય ને લગ્નગીતો ગાતી હોય; એને શરમ આવે છે; જો કે ડિસ્કો કે અદ્યતન  ફિલ્મીશાઈ ગરબા ગાતાં એને સંકોચ થતો નથી ! ) લગ્નગીતોમાં નવતા તાણીતૂસીને પણ  - નવીન સંદર્ભો લાવવા મથે છે.આવા સંમિશ્ર ગીતો અલગ અભ્યાસનો વિષય બને એમ છે. દા.ત. -

 

વીરો એલ.એ.બી.એલ ભણેલા,

વીરાને પહેરવા જોઈએ વોચ,

વીરાના સસરા લે છે લાંચ,

વીરો એલ.એ.બી.એલ. ભણેલા 

 

અહીં એલ.એ.બી.એલ. નામની પદવી પણ કાલ્પનિક છે.(બી.એ.,એલએલ.બી, નું મિશ્રણ કરીને પ્રાસ બેસાડનારી ગાનારી છોકરીઓ અમારી લુણાવાડાની આર્ટ્સ કોલેજમાં ભણેલી પટેલ કન્યાઓ છે.)આવાં ગીતોમાં વીરા (વરરાજા)ને શું શું જોઈએ તેની યાદી મુકીને કન્યાપક્ષની વ્યક્તિઓની નીતિમત્તાનું,પ્રવ્રુતિનું ખંડન કરવામાં આવે છે.લગ્નગીતોમાં વિધિવિધાનને લગતા તબ્બકાવાર ગવાતાં ગીતોમાં ઘણું વૈવિધ્ય છે,તો એ સાથે ગવાતાં ફટાણાંમાંય ખાસ્સી રંગીનતા છે.

 

ગણેશસ્થાપન પૂર્વે દશેક દિવસથી સાંજે (ભાવિ લગ્નપ્રસંગ મનાવવા) ગવાતાં સાંજીનાં ગીતો વર ને કન્યા બન્નેના ત્યાં ગવાય છે.જેમાં એમનાં અરમાનો તથા કૂળ-આબરૂની ધ્વજાઓ ફરકાવવામાં આવે છે.દા.ત. નદીને કિનારે રાયવર ઘોડો ખેલાવે.... / મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ,વળતા જાજે રે વેવાઈ-માંડવે રે... / દાદા હો દીકરી / લાડકડી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા.... / દીવડો ઘડ્યો રે લાંબી લાંઘોનો ફરતી ફૂંદડી મેલાવી દસબાર. / એક ઓડ તેડાવો ને ડુંગરા ગોડાવો....મારા મૈયરેથી બેની કોઈના આવ્યું. / ઘડીએક વેલો પરણેશ, ઘડી એક મોડો પરણેશ, / તારી અભણ લાડીને રાયવર નહી પરણે .../ મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની ચાંચ.../સોનાની ચાંચે મોરલો મોતી ચરવા જાય. જેવા અનેક ગીતો ઢળતી વૈશાખી રાત્રીઓના અજવાળિયાને સોહામણું બનાવી રહે છે.

 

કેટલાક સમાજોમાં મામેરું આગોતરું નોંતરાવામાં આવે છે.ત્યારે ગવાતાં ગીતોમાં મનને ભાવ-ભાવનાથી ભરી દેતું ગીત છે:

 

હું તો ચંપે ચડું ને કેળે ઉતરું

હું તો જોઉં મારા માડીજાયા વાટ્યો-

માંમેરા મોંઘા મૂલનાં....!

 

મામેરિયાઓને વેવાઈપક્ષની થોડી ગાળો પણ આપવામાં આવે છે-જેમાં જાતીયતાના સંકેતો પણ વણી લેવામાં આવે છે. દા.ત. -

 

માંડવે બેઠી ચકલી પલકારા મારે,

નાથડ,તારી શેનાળ પલકારા મારે,

મારા રેવાભૈને આબ્બા પલકારા મારે....

 

આવાં ફટાણા તો એકધિક અવસરે ગવાય છે.આમાં એક વિચિત્ર વાત એ છે કે સ્ત્રીઓ વડે ગવાતાં ગીતો-ફટાણાંમાં ગાળો પણ સ્ત્રીઓને લગતી જ આવે છે.પુરુષપ્રધાન સમાજ અને નારીમનની કોઈ મનોગ્રંથિઓ આની પાછળ કામ કરતાં હશે ? ન જાને ! ક્યાંક પુરુષને લબડધક્કે લેવાતાં ફટાણાં મળે.પન એમાંય ખાસ તો હજી ફૂવા  નહી બનેલા નવાસવા જમાઈ સાસરે આવે ત્યારે (સાળા-સાળીના લગ્નમાં કે એમ આવે ત્યારે ) એમને ગામની છોકરીઓ બરાબર નવાજે છે :

 

ઝેણી સિવાઈનો ટોપલો મેં રયજી માથે દીઠો રે,

કોદરાભૈના પાદરમાંથી છાંણા વીણતા દીઠો રે,

મીં જાણ્યું ભંગ્યોનો છોરો ઢેફે મારી કાડ્યો રે....

 

અથવા જમાઈની ફજેતી કરતું મજાકિયું ગીત ( જે લગ્નમંડપમાં કન્યાપક્ષેથીય ગવાય છે) :

 

વાલજી આયા સાસરે રે / છોરીએ માર્યા ખાસડે રે....

કાનમાં ઓર્યા કાંકરા રે...

ખરવર ખરવર થાય નેંચોના શીદ આયાતા સાસરે રે...

ચોટલી બાંધ્યું સૂપડુ રે...

ઝાટકઝૂટક થાય શેનાળના શીદ આયાતા સાસરે રે...

 

ચાર ચાર રાતોના ફૂલેકાં ફરીને પાંચમે દાડે પરણવા ઉઘલતા રાયવર માટે ગવાતાં ગીતોમાં મોટાઈ અને મોભો રજૂ થાય છે. આંબારાણને છાંયે વરજી કરે રે શણગાર /  એમનાં માતાનાં વખાણ, ભલ્લા શોભે રે રાયવર... / વરને લીંબુડી ભાત્યોના ધોતિયાં... / વરનાં મામીને હરખ ના માય રે / બાળો વરઘોડે ચડ્યો !

 

આમ મોંઢામાં પાન, માથે સાફો-કલગી-સહેરા ને હાથમાં રૂમાલ.જરાક આંજેલી આંખડી ને કેડે કટારીવાળા વરરાજા જેવા સસરાના ગામપાદરે જાનીવાસે કે મંડપે પહોંચે તેવા એમને લબડધક્કે લેવા કન્યાની સૈયરો ગાણા-ફટાણા લઈને ઉભી હોય છે.સામે વરપક્ષની જાનડીઓ પણ ગળાં ફાડીને જવાબ વાળે છે-આ વખતે ભડે ચઢેલા બન્ને પક્ષો વરકન્યાનો અલગ અલગ પક્ષ લઈને જોરદાર મુકાબલો કરે છે.એ ગીતોની તાસીર કૈક આવી છે.  

 

વાટે કૂતરી વાઈતી રે જગભરના બેટા,

હુવાવડ ઘાલવા ર્યોતો રે જગભરના બેટા.... 

*              *              *                *

 

છોરા રાજુ રે તું ચ્યમ કાળોમેંશ ?

તારી માએ ખાધાં જાંબુ રે જાંબુ ખાઈને જન્મ્યો રે -

તેમાં કાળોમેંશ... 

 

સામે વરપક્ષની જાનડીઓ જવાબ વાળે છે-

 

છોરી આવડી મોટી ચ્યાં રાખેલી ?

છોરી મકોડોની કોઠીમાં રાખેલી... 

 

ગરમાઓ ઘટતાં પેલા શાંત ગીતો વહેતાં થાય છે :

 

ઘરમાં ન્હોતા લોટા ત્યારે શીદ તેડ્યાતા મોટા

મારા નવલા વેવાઈ.... 

*             *              *                  *

 

મારા સંપતિયા વેવાઈ,તમે સાંભળો છો કે નંઈ રે ?

ભૂખો લાજી રે વેવઈ ભોજન આલાં છો કે  નંઈ ? 

 

આ વેળા વળી કોઈ નવજુવાન જમાઈ-સાળો બનેવી રુઆબભેર ફરતો કે કામ કરતો દેખાય તો જાનડીઓ એને નવાજે છે :

 

વડોદરાનો ઉંચો ટાવર,મનુલાલને ઘણો પાવર,

એ પાવર નંઈ ચાલે નંઈ ચાલે.... 

 

આમાં વેવાણને ઘણો પાવર પણ ગવાય...ને વાતાવરણમાં ગમ્મત મચી રહે છે,પણ અતિ ઉત્સાહમાં વાતાવરણ તંગ થઈ જાય એવાં ફટાણાય આવી જાય છે :

 

વેવાણ આઘી રે આઘી તારી ઘાઘરી ગંધાય... 

 

આવા ઘણાં ગાંણા-ફટાણાં નોંધી શકાય એમ છે.આ ગાણાંના લય,પ્રાસનુપ્રાસ તથા કાવ્યગુણ ધરાવતા સંકેતો પણ તરત ધ્યાન માં આવે છે.દરેક પક્ષને પોતાની મોટાઈ બતાવવી હોય છે.ગાણાં માં એવા વાનાં વણી લેવાની આ લોકરીતિઓ અભ્યાસપાત્ર છે.જાતીયતાના નિર્દેશવાળાં બે ફટાણા જુઓ.

 

શેરી વચ્ચે આંબલો ફાલ્યો લચકાલોળ રે રમતુડું વાગે....

ચિયા તારી શેનાળ ફૂલું લેવા જાય રે રમતુડું વાગે.....

નાનજી, તારી રૂખી ફૂલું લેવા જાય રે રમતુડું વાગે....

ફૂલું લેવ નથી જતી,ધણી કરવા જાય રે રમતુડું વાગે.... 

 

*             *              *                  *

 

મે તો જોઈ જોઈ તેડાંની વાટ્યો કે તેડું ના મોકલ્યું....

મારો દીવડો બળ્યો સારી રાત્ય કે તેડું ના મોકલ્યું....

વેવાઈનો પાક્યો સે ઓઠ કે તેડું ના મોકલ્યું.....

 

લગ્નવિધિ વખતે મંડપમાં બન્ને પક્ષે કેટલાક જાણીતા લગ્નગીતો ગાય છે નાણાવટી રે સાજન બેઠું માંડવે ...../ જેવા ગમગતા હીરા એવા કાળુભાઈના વીરા,નાણાવટી રે સાજન બેઠું માંડવે..../જેવા છાણમાંના કીડા એવા પન્નાવહુના વીરા, નાણાવટી રે સાજન બેઠું માંડવે.... ગોર ની પણ ખબર પુછાય છે. ગોરનું ગોળી એવડું પેટ, ગોર સટાપટીયું... વગેરે ફિલ્મોના ગીતોને આધારે ,શબ્દો બદલીને,એવા જ લયમાં ગવાતાં સંકર ગાણાં પણ આજકાલ સાંભળવા મળે છે,પણ એમાં લયભંગ તથા અતાર્તિક્તા વગેરે હોવાથી બધું દૂરાક્રુષ્ટ ને ક્યારેક તો એ અભદ્ર-વરવું લાગે છે.જૂની પરંપરામાં જે સહજતા ને અર્થપૂર્ણતા છે તે નવી પરંપરા રચનારા નથી લાવી શકતાં.એવા પ્રયત્નો ક્રુતક લાગ્યા છે.  

 

એટલે,કન્યાવિદાયના પેલા ગીતો ; તને સાચવે તારો પતિ,અખંડ સૌભાગ્યવતી કે એક આંબો ઉછેર્યો સવા લાખનો,સુખની વેળાએ સૂડીલો લૈ ગયો - સ્વજનો ને રડાવી દે છે ! અમે ઇડરિયો ગઢ જીત્યાં રે ... ગીત સાથે કન્યા વિદાય થાય છે...અને ચડ લાડી,ચડ લાડી,રૂડી બતાવું તારી સાસરી સાથે વરકન્યા પોંખાય છે...! લગ્નગાળો પૂરો થઈ જાય પછી કેટલાય દિવસો સુધી કાનમાં એ ઢોલશરણાઈ સાથે આ ગાણાં સંભળાયા કરે છે આજેય ! પણ હવે લગ્નગીતો બદલાતાં ને ધીમે ધીમે લુપ્ત થતાં જાય છે...એનેય હવે તો સ્મરણની દાબડીમાં સાચવવાં રહ્યા !

પુસ્તક પ્રાપ્તિ ની વિગત પુસ્તક:-"ભૂંસાતા ગ્રામચિત્રો",પ્રકાશક-મણિલાલ હ.પટેલ,"સહજ બંગલો,શાસ્ત્રીય માર્ગ,વલ્લભવિધ્યાનગર-, મૂલ્ય- રૂ.૨૫૦/- ફોન-૦૨૬૯૨-૨૩૨૬૦૬ ]

 

 

Permalink | Leave a comment  »

]]>
http://files.posterous.com/user_profile_pics/2205407/NLP.jpg http://posterous.com/users/lAAe25iFCdw2S Nitin Patel vadgamlibrary Nitin Patel