Posterous theme by Cory Watilo

રાવણહથ્થો

www.vadgam.com

ગુજરાતમાં ગજથી વાગતાં લોકવાંજિત્રોમાં રાવણહથ્થો જ એક માત્ર વાદ્ય  છે.આ વાદ્ય  ગુજરાતમાં જ નહિ રાજસ્થાનમાં પણ જોવામાં આવે છે.રાવણહથ્થો એ પ્રાચીનકાળનું પુરાણું વાજિંત્ર છે અને લૌકિક કથા મુજબ રાવણ જ્યારે સાધુ વેશમાં સીતાનું હરણ કરવા આવ્યો ત્યારે તેના હાથમાં વાજિંત્ર હોવાથી તેનું નામ સંસ્ક્રુત ગ્રંથોમાં રાવણહસ્તવીણા તરીકે વર્ણવવામાં આવેલ છે.રાવણહથ્થો ઘણું સાદું વાજિંત્ર છે.બે ફૂટની પોલી વાંસની દાંડી ઉપર બે તાર અગર તો ઝીણી તાંત બાંધવામાં આવે છે.નીચેના ભાગમાં કાચલી ઉપર ચામડું મઢી લેવામાં આવે છે.રાવણ હથ્થો વગાડવાનો સિધ્ધાંત લગભગ વાયોલિનને મળતો આવે છે અને ખાસ કરીને ફરતા સાધુઓ અને બાવાઓ,ભરથરીઓ લોકગીતો અને ભજનો ગાવામાં સવિશેષ ઉપયોગ કરે છે.

આજે આવા જ એક ભરથરી કૈલાશભાઈ છગનભાઈ કે જેમનું વતન વડગામ પાસેના ખરોડીયા ગામ છે તેઓ જ્યારે વડગામમાં પ્રાચિન લોકવાદ્ય  રાવણહથ્થો લઈને ભજન ગાઈ રહ્યા હતા અને ભિક્ષા માંગી રહ્યા હતા ત્યારે તેમનો વિડીયો શૂટ કરીને અહીં મુકવામાં આવ્યો છે.તેમના જણાવ્યા અનુસાર રાજા રાવણે તેના હાથ-પગની નશો કાઢીને રાવણહથ્થો બનાવીને ભગવાન શંકરની સ્તુતિ ગાઈને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા.ત્યારથી આ વાદ્ય  રાવણહથ્થો તરીકે ઓળખાય છે.તેમના જણાવ્યા અનુસાર આ રાવણહથ્થાની કિંમત લગભગ રૂ.૨૦૦ થી ૫૦૦ વચ્ચે હોય છે.

અંતે જ્યારે મે તેમને વિડીયો શૂટ કરીને જુનું પેન્ટ આપવા ગયો ત્યારે તેમણે વિનંતી કરી કે સાહેબ ઘરમાં કોઈ જુનો સાડલો હોય તો આપો,મારી દિકરી સાસરેથી આવશે ત્યારે તેને હું આ સાડલો ઓઢાડીશ ત્યારે ખુશ થશે.અને અંતે તેઓ અમારા માટે ભગવાન વતી અઢળક આશિષ આપતા શબ્દો બોલતા વિદાય થયા ત્યારે અમે આ ગરીબ પરંતુ સ્વમાની કલાકારને જોતા રહ્યાં અને તેમનામાં રહેલી માનવીય લાગણીયોને સમજતા રહ્યાં.  

www.vadgam.com