૨૧મી સદીનું આદર્શ ગામ કેવું હોવું જોઈએ?
[ પ્રસ્તુત લેખ “ ૨૧મી સદીનું આદર્શ ગામડું” પુસ્તક માંથી સાભાર લેવામા આવ્યો છે.આ લેખના લેખક શ્રી રાજેન્દ્ર દવે છે.પુસ્તક પ્રાપ્તિસ્થાનની માહિતી લેખના અંતે આપવામાં આવી છે.]
ભારત એટલે ગામડાઓનો દેશ.મહાત્મા ગાંધીજીએ આથી જ કહ્યું હતું : “ તમારે સાચા ભારત દેશના દર્શન કરવા હોય તો ગામડાંઓમાં જવું જોઈએ.” દેશની એક અબજની વસ્તીમાંથી ૭૪% વસ્તી આજે ગામડાઓમાં વસે છે.પરંતુ આઝાદીના ૬૦ વર્ષ પછી આપણા આ ગામડાઓ જીવનજરૂરી આવશ્યક સુવિધાઓથી વંચિત છે !
દેશ અંગ્રેજોની ગુલામી હેઠળ હતો ત્યારે આપણાં ગામડાં ગરીબ અને બિચારા ગણાતા હતાં.આજે આઝાદી પછી પણ આપણું ગામડું ગરીબ અને બિચારું જ રહ્યું છે. આમ કેમ ? ગામડાંમાં આજે પીવાનું પર્યાપ્ત પાણી નથી,પણ મિનરલ વોટરની બોટલોનું હાઈ-વે પરની દુકાનોમાં વેચાણ થતું હોય છે.
ગાંધીજી કહેતા હતા કે,ગામડા કાચા માલનું ઉત્પાદન કરે છે,જ્યારે શહેરો કાચા માલને પાકા માલમાં રૂપાંતર કરવાની કાર્યવાહી કરે છે.પરંતુ નફાનો મોટો ગાળો શહેરી વિસ્તારને મળે છે.જ્યારે ગામડાને ભાગે મજૂરી ખર્ચ પણ છૂટતો નથી.ટૂંકમાં આર્થિક વ્યવસ્થા અને હાલની બજાર યંત્રણાને કારણે જ ગામડાની આ હાલત છે.
ગાંધીજીએ કહેલું : “ ભારતના ગામડાંઓનો સર્વાંગી વિકાસ સધાશે તો જ દેશ સમૃદ્ધ બનશે અને એ જ સાચુ ગ્રામસ્વરાજ.” પરંતુ આજે ૨૧મી સદીના આરંભે પણ આપણા દેશના ગામડાની હાલત દયનીય છે.ગામડા અંગે શહેરીજનોમાં અનેક ભ્રમો ઘર ઘાલી બેઠા છે.આ જ શહેરોનાં દૂષણો,વ્યસનો અને ઋણના ભારે બોજા ગામડાંને ભાંગી રહ્યા છે.
દેશના ગામડાના ઉદ્ધાર માટે,અનેક યોજનાઓ બની છે અને બનતી રહે છે પરંતુ આ યોજનાઓનો લાભ ગામડાંને કેટલા પ્રમાણમાં મળે છે એ આપણે સહુ જાણીયે છીયે.કોઈ પણ ગામડું હોય તેને પીવા માટે સ્વચ્છ પાણી,પાકી સડક અને વિજળીની સુવિધા જેવી જીવનજરૂરી આવશ્યક સુવિધાઓ મળવી જ જોઈએ.પરંતુ આજે દેશના સેકંડો ગામડા એવા છે જે પાયાની આ સુવિધાઓથી હજુયે વંચિત જ છે.
આજે આપણા દેશના ગ્રામીણ વિસ્તારોના ૧૦ કરોડ કુટુંબો એવા છે કે તેમના ઘરમાં પીવાના પાણીની સુવિધા જ નથી. ૧૫ કરોડ ઘર એવા છે કે તેમને ત્યાં વીજળી હજુ સુધી પહોંચી નથી.આ ઘરોમાં ફાનસ કે દીવડાના અજવાળે જ વાળું થાય છે.! દેશના ૪૦ ટકા ગામડાં એવા છે જ્યાં પાકી સડકની સગવડ નથી.
ગાંધીજીની માફક સરદાર વલ્લભભાઈ પટેલને પણ દેશના ગામડાની ચિંતા હતી.તેમને ગામડાની હાલત બદલવી હતી.તેમણે ગ્રામસુધારણા માટે જે વાતો કરી છે જે આજે પણ આપણા ગામડાંએ ધ્યાને લેવા જેવી છે.સરદાર પટેલે કહેલું “ ગામની અંદર ધુળ ન હોવી જોઈએ.રહેવાની જગ્યા સાફ રહેવી જોઈએ.કુદરતે આપેલી સ્વચ્છ હવા બગડેલી ન હોવી જોઈએ.બધાને સ્વચ્છ હવા મળે એ ગ્રામજનોએ જોવું જોઈએ.ગામમાં ધૂળ,ધુમાડો કે ગંદકી ન હોવા જોઈએ.ગામની અંદર ઠેકઠેકાણે શૌચક્રિયા કે પેશાબ ન થાય.બાળકો પણ ગંદકી ન કરે એ તેમના મા-બાપે જોવું જોઈએ.મેલું ક્યાં જાય છે,એની તો ખબર પણ પડવી ન જોઈએ.ગામ સુંદર,સ્વચ્છ અને બગીચા જેવું સોહામણું હોય.બધા ભાઈ ભાઈ તરીકે રહેતા હોવા જોઈએ.તેમાં કોર્ટ-કચેરી ન હોય અને પંચાયતનું રાજ્ય હોય.”
આદર્શ ગામ અંગેની સરદાર પટેલની આ વાત હૈયે ઉતારવા જેવી છે.૨૧મી સદીનું આદર્શ ગામ કેવું હોવું જોઈએ તેની કલ્પના સરદાર પટેલના આ વિચારો થકી કરી શકાય એમ છે.પ્રત્યેક ગામડું પાકી સડકથી તેના તાલુકા મથક,જિલ્લા મથક અથવા તો નજીકના મોટા ગામ સાથે સંકળાયેલું હોવું જોઈએ.
ગામની કાચી સડકોને ગ્રામજનો શ્રમયજ્ઞ દ્વારા સમથળ બનાવી પેવરકામ કરી પાકી સડક જેવી જ બનાવી શકે.ગામમાં જ્યાં બસ ઉભી રહેતી હોય ત્યાં ગામમાંથી આવતી-જતી બસોનું સમયપત્રક મૂકેલું હોવું જોઈએ.
ગોંડલ સંસ્કૃતિસર્જક મહારાજા ભગવતસિંહજી એક આદર્શ રાજવી હતા.તેમના સમયમાં ગોંડલ રાજ્યના પ્રત્યેક ગામમાં દરવાજો,પશુઓ માટે અવેડો અને નિશાળ જોવા મળતા આજે આદર્શ ગામમાં દરવાજાનું સ્થાન સુશોભિત કમાનને આપવું જોઈએ.ગામના પ્રવેશ દ્વારના પ્રતીકરૂપે આવી કમાન ઉભી કરી શકાય.આદર્શ ગામમાં શાળા હોવી જોઈએ.આ શાળા અંધારિયા ઓરડા અને પડું પડું થઈ રહેલી દીવલોવાળી નહી,પણ હવાઉજાસની પૂરતી સગવડવાળી વિશાળ પટાંગણ અને ક્રીડાંગણવાળી હોવી જોઈએ.શાળાનું મકાન એવું હોવું જોઈએ કે બાળકોને હોંશે હોંશે ત્યાં ભણવા આવવાનું મન થાય.
આદર્શ ગામમાં પીવાના પાણીની સગવડ માટે પાણીનો ટાંકો હોવો જોઈએ.પાસે જાહેર નળ હોવા જોઈએ.જ્યાં પાણીનો સહેજ પણ બગાડ ન થતો હોય.પાણીનાં ખાબોચિયા ન ભરાઈ રહેતા હોય.સમગ્ર ગામમાં ગંદા પાણીના નિકાલ માટે ગટરની સુવિધા હોવી જોઈએ.શેરીઓમાં કે ઘરના આંગણાઓમાં ગંદુ પાણી ઢોળાતું ન હોય ,ખુલ્લા મેદાનમાં ક્યાંય ગટરના ગંદા પાણીના ખાબોચિયાં ભરાઈ રહેતા ન હોય.
ઘરે ઘરે શૌચાલયની સુવિધા હોવી જોઈએ.એ ઉપરાંત ગામમાં પાણીની બચત થાય અને ખાતર પણ મળી રહે એવા આદર્શ જાહેર શૌચાલયો પણ હોવા જોઈએ.પશુધન ધરાવતા ખેડૂતો અને માલધારીઓને ત્યાં ગાયો-ભેંશોના છાણ અને મૂત્રમાંથી ગોબર ગેસનું ઉત્પાદન થઈ શકે.આ ગેસથી ચૂલા ચાલી શકે.
ગામમાં એક સુંદર બગીચો હોવો જોઈએ.ફૂલ-છોડ અને વૃક્ષોથી હર્યોભર્યો આ બગીચો પ્રત્યેક ગ્રામવાસી માટે ટાઠક આપનારો બની રહે.ગામના માલઢોર માટે પીવાના પાણીનો એક જાહેર અવેડો ગામમાં હોવો જોઈએ.ગામના યુવાનો નિયમિત અવેડાની સફાઈ કરી તેમાં પાણી ભરી અબોલ જીવોની સેવા કરી શકે.ગ્રામજનોને દેશ-વિદેશના સમાચારો જાણવા મળે એ માટે ગ્રામપંચાયતની કચેરીમાં એક જાહેર ટેલિવિઝન મુકાયેલું હોવું જોઈએ.એ જ રીતે ગ્રામપંચાયત સંચાલિત વાંચનાલય પણ હોવું જોઈએ,જ્યાંથી ગ્રામજનોને અખબારો,સામયિકો અને પુસ્તકો વાંચવા માટે મળી શકે.
ગામની મહિલાઓ કે જેઓને પોતાના ઘરમાં પૂરતી સુવિધા ન હોય તેઓ કપડાં ધોઈ શકે એવો ધોબીઘાટ હોવો જોઈએ.ગામની મહિલા એકત્ર થઈ શકે,મહિલા ઉત્થાનની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી શકે એ માટે મહિલાઓ માટે ગામમાં સારું સુવાવડઘર પણ થઈ શકે.આજ રીતે ગામમાં નાટક,ફિલ્મ કે અન્ય મનોરંજન કાર્યક્રમ યોજી શકાય એવા જાહેર હોલની સુવિધા હોવી જોઈએ.
પાણીને અછત એ ૨૧મી સદીની વૈશ્વિક સમસ્યા બની રહેવાની છે.આ સમસ્યાને હળવી બનાવવા ગામડું અનેક રીતે પોતાનું યોગદાન આપી શકે.ગામના દરેક ખેતરનો કૂવો રિચાર્જ થયેલો હોવો જોઈએ.એ જ રીતે ગામની દરેક ડંકી પન રિચાર્જ થયેલી હોવી જોઈએ.ગામમાં સામૂહિક શ્રમયજ્ઞથી ઓછામાં ઓછો એક ચેક ડેમ બનાવી શકાય.પાણીની કિંમત સમજી ખેડૂતો પોતના ખેતરમાં ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ (ટપક સિંચાઈ પધ્ધતિ) વસાવે તો જળસંચયની પ્રવ્રુતિમાં પોતાનું યોગદાન આપ્યું ગણાશે.ગામના માલધારીઓનાં પશુઓ માટે ગામમાં જ દવાખાનું હોવું આવશ્યક ગણાય.આ જ રીતે ખેડૂતોની ખેતી અંગેની માહિતી મળી રહે એ માટે કૃષિ માહિતી કેન્દ્ર શરૂ કરી શકાય.એ જ રીતે ગામમાં ગૌશાળા પણ ચાલતી હોવી જોઈએ.
સમગ્ર ગામમાં એક કરતા વધુ જગ્યાએ લાઉડસ્પીકર ગોઠવેલા હોવા જોઈએ.જેનું સંચાલન એક જગ્યાએથી થતું હોય.આવા લાઉડસ્પીકરનો ઉપયોગ સમસ્ત ગ્રામજનોને જાહેર સૂચના,માહિતી આપવા માટે થતો હોવો જોઈએ.ગામના ચોરે કાળું પાટિયું મુકાવું જોઈએ.જેનો ઉપયોગ ગામના સારા-માઠા સમાચાર,સુવિચાર,અન્ય માહિતી કે સમાચાર લખવા માટે કરી શકાય.
શહેરના દૂષણો-વ્યસનો ગામડાંને પણ આભડી ચૂક્યાં છે.ચા-પાનની લારી વિનાનું ગામડું શોધ્યું મળે એમ નથી.પરંતુ આદર્શ ગામ તો એને જ કહી શકાય કે જ્યાં ચા-પાનની એક પણ લારી-હોટેલ ન હોય.ગામનો એક પણ પુરુષ દારૂનું સેવન કરતો ન હોય.ગામનો એક પન યુવાન ગુટખા અને તમાકુ ખાતો ન હોય.
ગામમાં ક્યારેય મારામારી કે તોફાનનો પ્રસંગ ઉપસ્થિત થતો ન હોય.ગામ અને ગ્રામજનોની સેવા માટે પોલીસ-ચોકી હોય,પણ પોલીસ ચોકીના દફ્તરે ક્યારેય કોઈ ફરિયાદ નોંધાતી જ ન હોય એવી રીતે ગ્રામજનો સંપ અને સુલેહ થી રહેતા હોવા જોઈએ.
આદર્શ ગામ અંગેની આ કલ્પનાઓ હૈયે ઉતારવા જેવી છે.આવી નાની નાની બાબતો અંગે નિરધાર કરવા જેવો ખરો.ક્રમશ: આ વાતોને કોઈ પણ ગામ માટે લાગુ પાડી શકાય.જો એમ થશે તો ગામડાની હાલત સુધરતી જશે.એક આદર્શ ગામ બનાવવાના મારગે આ રીતે આગળ વધી શકાશે.
[પુસ્તક પ્રાપ્તિની વિગત: પ્રવીણ પ્રકાશન પ્રા.લિ.,લાભ ચેમ્બર્સ,મ્યુ.કોર્પો.સામે.ઢેબર રોડ,રાજકોટ.કિમંત-રૂ.૬૫/-]