નવરાત્રી-મહાશક્તિ ની પૂજા અર્ચનાનું પર્વ.
વડગામ પંથકના ગામડાઓમાં નવલી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે જે ગરબો ગુજરાતના ગામડે ગામડે અને શહેરેશહેરમાં અતિ લોકપ્રિય લોકનૃત્ય છે તેની પાછળ ઘણો મોટો ઇતિહાસ પડ્યો છે,અને આર્યોના આગમન પહેલાંના સિંધુ-સંસ્કૃતિ કાળ જેટલો તે જુનો છે.પ્રાગૈતિહસિક કાળમાં ગુજરાત સિંધુ-સંસ્કૃતિનો અંતર્ગર્ત ભાગ હતું તે તો લોથલના અવશેષો પરથી સિદ્ધ થયું છે.સિંધુ-સંસ્કૃતિ ના જે અવશેષો મળી આવ્યા છે તેમાં માતાજીની મૂર્તિઓ મળી આવતા આ કાળમાં શક્તિપૂજા અસ્તિત્વમાં હતી તેમ માનવામાં આવે છે.આમાં શિવની મૂર્તિઓ અને શિવલિંગો પણ મળી આવતા શિવ અને શક્તિ એ આર્યોના નહિ પણ અનાર્યોના દેવો હતા તેમ સિદ્ધ થાય છે.કાળે કરીને જ્યારે આર્યો અને અનાર્યો વચ્ચે સંસ્કાર અને ધર્મનો સમન્વય થવા લાગ્યો ત્યારે આર્યોએ શિવ અને શક્તિ બનેંનો સ્વીકાર કરી લીધો.વૈદિક કાળના અંતિમ ભાગથી માંડી પુરાણકાળ સુધીમાં શક્તિના અનેક સ્વરૂપો થયાં અને પૂજાવા લાગ્યાં.વિશ્વમાં જે ચેતનશક્તિ જોવામાં આવે છે,જે શક્તિ વડે વિશ્વનું તાલ અને ક્રમબદ્ધ રીતે સંચાલન થાય છે અને જ્યાં જ્યાં ‘એનર્જી’ એટલે શક્તિ જોવામાં આવે છે તે વિશ્વવ્યાપક મહાશક્તિનું જ સ્વરૂપ છે તેવી શક્તિપૂજકોની માન્યતા છે અને જ્યોત તેનું પ્રતીક ગણાય છે.આપણે ત્યાં જે નવરાત્રી મહોત્સવ ઉજવાય છે એ પણ આદ્યશક્તિનું મહાપર્વ છે અને શક્તિપૂજામાં કાણાવાળા માટીના,રંગેલ અને ચિત્રકામવાળા ઘડામાં જે દીવો મૂકવામાં આવે છે તે ગર્ભદીપ કહેવાય છે અને આ ગર્ભદીપની અખંડ જ્યોતનું પૂજન કરવામાં આવે છે.ગુજરાતમાં શક્તિપૂજા પ્રથમ આદિવાસીઓમાં પ્રચલિત હતી અને આજે પણ છે.ગુજરાતમાં આ પ્રજા પ્રાચિન કાળથી જોવામાં આવે છે અને તેની પૂજામાં યંત્રની પૂજા મુખ્ય છે.ભારતભરમાં બાવન જેટલા શક્તિપીઠો જુદાં જુદાં સ્થળોએ આવેલા છે,જેમાં એક સાથે ત્રણ શક્તિપીઠો આવેલા હોય તો તે ફક્ત ગુજરાતમાં જ જોવામાં આવે છે.આ શક્તિપીઠો છે આરાસુરના અંબાજી,પાવાગઢના મહાકાળી અને ઉત્તરગુજરાતનાં બહુચરાજી,જ્યાં પ્રથમ યંત્રપૂજા જ થતી,અને મૂર્તિઓ પાછળથી આવેલ છે.આજે પણ મૂર્તિઓ પાસે યંત્રો છે.
ગરબાની ઉત્પત્તિ માટે એક એવી માન્યતા છે કે પ્રાગૈતિહાસિક કાળમાં એવો રિવાજ હતો કે જે સ્ત્રીઓને બાળકો થતાં ન હોય તે આ ગર્ભદીપ એટલે ગરબા માથે લઈને માતાજીની મૂર્તિની પ્રદક્ષિણા કરે અને તેમ કરતા માતાજીની સ્તુતિ સાથે નૃત્ય કરે.અન્ય સ્ત્રીઓ પણ આ સ્તુતિ અને નૃત્યમાં સાથ આપતી.આમ ગરબાનો ગોળાકાર આ પ્રદક્ષિણાની ધાર્મિક વિધિમાંથી જન્મ્યો છે.ગરબામાં જે દીવો મુકવામાં આવતો તે ગર્ભજીવનનું પ્રતીક મનાતો અને તેની જ્યોતની જેમ બાળકરૂપી જીવનજ્યોતની પ્રાપ્તિ માટેની આ ધાર્મિક વિધિ હતી.ગરબાનૃત્ય આ કારણે સ્ત્રીઓનું જ નૃત્ય હતું અને આજ સુધી તે સ્ત્રી નૃત્ય તરીકે જ સચવાઈ રહ્યું છે,જે ઉપરની વાતને પુષ્ટિ આપે છે.નવરાત્રીમાં માતાજીની ભક્તિમાં ગવાય તે ગરબો તેવી માન્યતા છે.પરંતુ આજે હવે આવા ભેદ ક્યાંય રહ્યા નથી. સ્ત્રીઓ નૃત્ય સાથે ગાય તે ગરબા અને પુરુષો ગાય તે ગરબી.
અમુક વર્ષો પહેલા વડગામ ગામમાં આવેલ ઐતિહાસિક એવા શ્રી બ્રહ્માણી માતાજી મંદિર માં પુરૂષો દ્વારા ગરબીની જોરદાર જમાવટ થતી,આ એક રાસનો પ્રકાર જ હતો જેમા નવરાત્રી પ્રસંગે પુરૂષો દાંડીયા દ્વારા તાલબદ્ધ રીતે ગરબી ગાતા,આ ગરબી માત્ર નરઘાં અને મંજીરા દ્વારા જ રમાતી પણ એનો તાલમેલ એટલો તો જોરદાર હતા કે બેઘડીક તમને જોવું અને સાંભળવુ ગમે.આ ગરબી મંડળ પંથકમાં વખણાતું અને તેના અનેક સભ્યો પણ હતા.ગરબી રમવાના પણ અમુક નિયમો હતા. આજે પણ આવી મંડળી વડગામમાં અસ્તિત્વ ધરાવે છે પણ જુના જમાનામાં જેવા ગરબી ગાનારા,ગરબી ઝીલનારા અને ગરબી રમનારા પુરૂષો હતા તેનો અભાવ જરૂર વર્તાય છે અને હાલમાં માત્ર વ્યક્તિગત ધોરણે કોઈને માનતા રાખેલી હોય અને તે પ્રસંગે આવા ગરબી મંડળને આમંત્રણ આપે તો તેવા પ્રસંગે ગરબી ગવાય છે અને રમાય છે.
ભારતના શાસ્ત્રોક્ત માન્યતા પ્રમાણે તેત્રીસ કરોડ દેવી-દેવતાઓમાંની નવ વિધ્યમાન દેવીઓની પ્રશંસા દ્વારા મહિમા વધારતો આસો સુદ એકમથી નવ દિવસ માટે ઉજવાતો ‘નવરાત્રી’નો આ એક આગવો અને અનોખો પ્રસંગ છે.
નવરાત્રીની નવ દેવીઓ આ પ્રમાણે છે: શ્રી અંબાદેવી,શ્રી કાલિકાદેવી,શ્રી ગાયત્રી દેવી,શ્રી સંતોષીમા,શ્રી ખોડિયાર માતાજી,શ્રી લક્ષ્મીદેવી,શ્રી બહુચરમાતા,શ્રી સરસ્વતી દેવી અને શ્રી ઉમિયા દેવી.
પરમ શ્રેયકારી નવદુર્ગા નવસ્વરૂપ-સ્ત્રોત:
(૧) અર્ધચંન્દ્ર મંડિત મુગુટે શોભતાં, વૃષભે જે આરૂઢ,ત્રિશુળ-પદ્મધારિણી,એ મા’શૈલપુત્રી નમોનમ:
(૨) પૂર્ણ જ્યોર્તિમય સ્વરૂપા,જપમાળા કમંડળ ધારણ કર્યા,સિધ્ધિ વિજયદાયિની,એ મા ‘બ્રહ્મચારિણી નમોનમ:
(૩) ઘંટાકૃત અર્ધચંન્દ્રધારી દસહસ્તેશસ્ત્ર,સિંહારૂઢ,શરણાગત રક્ષક અભયદાત્રી,તેજદાત્રી મા,’ચંદ્રઘંટા’ નમોનમ:
(૪) બ્રહ્માંડસર્જક સૂર્યલોકનાં,અષ્ટ હસ્ત,સિદ્ધીનિધિ જપમાળા ગ્રહી,યશ,બળ આયુષ્ય-આરોગ્ય દાત્રી,મા ‘કુષ્માણ્ડાં’ નમોનમ:
(૫) માત કાર્તિકેયનાં,ચારહસ્ત,પદ્માસન કે સિંહારૂઢ વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ દાત્રી,મા ‘સ્કંદમાતા’ નમોનમ:
(૬) ચાર હસ્ત,સિંહેસવારી,સ્વર્ણ સમાં જે ઝળહળે વ્રજમંડળ અધિષ્ઠાત્રી,મા, કાત્યાયિની’ નમોનમ:
(૭) પૂર્ણ શ્યામ વિખરિત કેશા,નેત્રગોળે વિદ્યુત ઝબકે ખડગ હસ્તે,ગર્દભ સવારી,મા ‘કાલરાત્રી’નમોનમ:
(૮) ગૌરવર્ણ,શ્વેત વસ્ત્ર,ચારભૂજા, વૃષભારૂઢ સર્વ સુખ શાંતિ દાયિની મા,’મહાગૌરી’નમોનમ:
(૯) સિદ્ધીદાત્રી પરમપદ દાત્રી,ચારભૂજા,સિંહારૂઢ,અર્ધનારીશ્વર,અમૃતદાત્રી,મા ‘સિધ્ધિદાત્રી’ નમોનમ:
મન,વચન,કર્મ પરિશુદ્ધ કરી,ધ્યાન-પૂજન જો થાય,નવદુર્ગા માત કૃપા થકી,પરમ પદ અધિકારી થવાય.
ચૈત્રસુદ-૧ થી ચૈત્ર સુદ-૯ ચૈત્ર નવરાત્રી માતાના અનુષ્ઠાન માટે ઉત્તમ ગણવામાં આવે છે.આસો સુદ-૧ થી આસો સુદ-૯ શરદ નવરાત્રી માતાના ભક્તીપૂર્ણ ગીતો,ઉપાસના કરવા માટે ઉત્તમ ગણાય છે.
આજે તો નવરાત્રીનું પુરૂ સ્વરૂપ બદલાઈ ચુક્યું છે.ઠીક છે સમય મુજબ બધુ બદલાવાનું એને કોઈ રોકી શકવાનુ નથી,આજે તો ગામડામાં પણ ડીજે ઓર્કેસ્ટ્રા આવી ગયા છે અને અસલ ગરબા-ગરબી ની રોનક ક્યાંય પાછળ રહી ગઈ છે તે જોવા મળી રહ્યું છે,નવરાત્રી મહોત્સવના ગરબાને આનંદથી માણીયે,રમીયે સાથે મા જગદંબા ની આરાધના કરવાનું ન ભૂલીયે અને આપણામાં રહેલી રાક્ષસીવૃત્તિઓને દૂર કરીયે અથવા તો દૂર કરવા માટે મા દુર્ગા ને પૂજા અર્ચન કરી વિનવણી કરીયે તો નવલાનોરતાની ઉજવણી સાર્થક ગણાશે.