અભિનયનાં અજવાળા પાથરતી કોમ.
નાત,જાત અને કોમ એ બધાને ભલે આપણે ધિક્કારીએ પરંતુ હકીકતે આ બધી કોમોમાં આપણો સમાજ વિભાજિત રહેલો છે.રાજકારણની દ્રષ્ટિએ નહિ પણ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ દરેક કોમ અને તેમાં ઉતરી આવેલા આનુવંશિક સંસ્કારો અને વૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવે તો ઘણી રસમય બાબતો મળી આવે છે.ગુજરાતમાં અનેક આનુંવંશિક અને પરંપરાગત ધંધાઓ તથા વ્યવસાયો કરતી કોમો છે.પરંતુ આ બધીમાં સંગીત, નૃત્ય અને નાટ્ય એમ ત્રિવિધ કલાને વરેલી કોઈ કોમ હોય તો તે ત્રાગાળાની કોમ છે.ત્રાગાળા-ભોજક કોમ નાયક તરીકે ઓળખાવા લાગી છે.તે બીજા ક્ષેત્રોમાં નાયક એટલે નેતાઓ છે કે નહિ તેની જાણ નથી,પણ સંગીત- નૃત્ય -નાટ્યના ક્ષેત્રને તેઓ સદીઓ થયા ખુંદી વળ્યા છે તેમાં તેઓ જરૂર નાયક છે.બુધ્ધિ અને કલાજીવી આ કોમ છે.રૂપ,અભિનય અને વાકપટુતા કુદરતે આપેલી તેમની બક્ષિસો છે.નાટ્ય અને સંગીતકલાની દ્રષ્ટિએ અભ્યાસ કરવા જેવી આ કોમ છે.
સંસ્કૃતિને ઘડનારા પરિબળોમાં સંગીત અને નાટ્યને સ્થાન હોય તો ગુજરાતના સંસ્કૃતિઘડતરમાં આ કોમનું પ્રદાન છે તેમ જરૂર કહી શકાય.આ કોમ બ્રાહ્મણ જ્ઞ્યાતિ ની એક શાખા જ છે,જેનો ઇતિહાસ પાંચસો વર્ષોથી જુનો હોય તેમ જણાતું નથી. સિધ્ધપુરના અસાઈત ઠાકરે ઊંઝા ના હેમાળા પટેલની સાથે રોટી-બેટીનો વ્યહવાર શરૂ કર્યો અને તેથી સિધ્ધપુરના બ્રાહ્મણોએ કરેલા અસાઈત ઠાકરના બહિષ્કારમાંથી આ કોમનો ઉદ્દભવ થયો છે.અસાઈત ઠાકર અને તેના બે પુત્રો માંડળ અને જયરાજ –એ ત્રણેય કુટુંબોને હેમાળા પટેલે ઊંઝા બોલાવી જર,જમીન અને જોરુ ત્રણેય આપ્યાં.આ ત્રણ ઘરવાળાને ત્રણ ઘરાળા અને તેમાંથી ત્રાગાળા શબ્દ ઉદ્દભવ્યો હોવાનું કહેવાય છે. જૈનો સાથે ભોજનવ્યહવાર કરનારા શ્રીમાળી બ્રાહ્મણો ભોજક કહેવાયા અને તેઓ બહિષ્કૃત થતાં ત્રાગાળા ભોજક વચ્ચે રોટી-બેટીનો વ્યહવાર શરૂ થયો.એ જ રીતે વ્યાસ અટકના કેટલાક બહિષ્કૃત બ્રાહ્મણો ત્રાગાળા ભોજકનો ત્રિવેણીસંગમ પુરો થયો.આજે હવે જ્યારે જ્ઞ્યાતિપ્રથા તુટવા લાગી છે ત્યારે આ ભેદો નકામાં છે.
સિધ્ધ્પુર અને ઊંઝા એ ગુજરાતના મોટાભાગના બ્રાહ્મણોના આદિસ્થાનો હતાં.અહીંના બ્રાહ્મણોએ ચાર વેદો સંભાળ્યા,તો આ બ્રાહમણ કોમમાંથી ઉત્પન્ન થયેલી ત્રાગાળા કોમે સંગીત-નાટ્ય કલાનો પાંચમો વેદ સાચવ્યો.ગુજરાતની સંસ્કૃતિ દિલ્હીના સુલતાનોના હાથે રગદોળાતી હતી ત્યારે ગુજરાતના ધાર્મિક,પૌરાણિક અને કેટલાક ઐતિહાસિક વિષયોને લોકનાટ્ય સ્વરૂપમાં જીવંત રાખવાનું કામ આ ત્રાગાળા કોમે ભવાઈ દ્વારા કર્યું અને ગુજરાતની સંસ્કૃતિના મૂળનું નાટ્ય સંગીત દ્વારા સિંચન કર્યું.
‘ભવાઈ’ એ શબ્દ ભવૈયામાંથી આવેલ હોવાથી તેનું સ્વતંત્ર અર્થઘટન કરવા જતાં કોઈ મેળ ખાતો નથી.તેના અર્થઘટનો આપણા સાહિત્યકારોએ કર્યા છે,જેમ કે ભવ્ય-આઈ,ભવ-વહી.ઉત્તર ગુજરાત અને મારવાડ એ પડોશી પ્રદેશો હોવાથી સાંસ્કૃતિક આદાન પ્રદાન તો સદીઓ થયાં ચાલતું હતું અને આજે પણ ઉત્તરગુજરાતના બોલી,પહેરવેશ અને લોકસંગીત ઉપર રાજસ્થાની સંસ્ક્રુતિની ભારે મોટી અસર રહી છે.આજે પણ રાજસ્થાનમાં ભવાઈએ લોકનાટ્યનું નહિ પણ લોકનૃત્ય નું જ સ્વરૂપ છે.જેમાં માથે પાંચ કે સાત બેડાં રાખી લોકનૃત્ય કરવાનો રિવાજ છે.
અગાઉના કાળમાં નરઘાં અને ભૂંગળ એ ભવાઈના મુખ્ય વાદ્યો હતાં.ભૂંગળ આમ તો ઘણું કર્કશ લોકવાજિંત્ર છે,પરંતુ ભવાઈ થતી હોવાની જાહેરાત માટે તે ઘણું ઉપયોગી ગણાય.ભવાઈ હોય ત્યાં ભૂંગળ હોય જ તેવી અનિવાર્યતા જોવામાં આવે છે.હારમોનિયમન પ્રવેશ પછી હવે ભવાઈમાં પણ હારમોનિયમનો ઉપયોગ થયા પછી તેનો અંત તાલબધ્ધ રીતે વાગતા આ ભૂંગળના અવાજથી આવે છે.આ વ્યવસાય મુખત્વે ઉત્તર ગુજરાતની ત્રાગળાકોમનો પરંપરાગત વ્યવસાય થઈ ગયો હતો અને પરિણામે વ્યવસાયી રંગભૂમિની શરૂઆત ગુજરાતમાં થઈ ત્યારે આ કોમ રંગભૂમિ ઉપર છવાઈ ગઈ.
સિધ્ધપુરના અસાઈત ઠાકરે આ લોકનૃત્ય માં સંવાદો ગોઠવી તેને લોકનાટ્ય સ્વરૂપમાં ફેરવી નાખ્યું અને સંવાદો પણ મારુ ગુર્જરી ભાષામાં હોવાથી રાજસ્થાનમાં પણ તે સમજી શકાય તેમ હતા.એ કાળમાં આ એક લોકનાટ્ય સ્વરૂપ હતું જેમાં સંગીત નૃત્ય વાદ્ય અને નાટ્ય એ બધાનો સમન્વય થયો હતો.આ લોકનાટ્ય સ્વરૂપમાં શરૂઆતમાં જે વેશો તૈયાર થયા તે પછી તેમાં અનેક વેશોનો ઉમેરો થયો છે અને તેમાંથી ૧૨૫-૧૫૦ જેટલા વેશો આજે લિખિત સ્વરૂપે મળી આવે છે.આ ભવાઈ રજુ કરનારા ત્રાગાળાઓ હતા જેમનો એ વ્યવસાય થઈ પડતાં સંગીત નાટ્ય, નૃત્ય વગેરેના સંસ્કારો આ કોમમાં આરૂઢ થઈ પડ્યા.ભવાઈમાં સ્ત્રી પાત્રો હંમેશા પુરૂષો જ ભજવતા એટલે સ્ત્રી સહજ અભિનય રજુ કરી શકે તેવો એક વર્ગ પણ ઉભો થવા લાગ્યો.અલબત આ લોકનાટ્યનું સ્વરૂપ હોવાથી અભિનય પણ લોકદ્રષ્ટિએ જ થતો.છતાં ભવાઈમાં અભિનયનું પ્રભુત્વ હોવાથી આ કોમમાં અભિનય કલા સાહજિક બની ગઈ અને જ્યારે ગુજરાતની રંગભૂમિની શરૂઆત થઈ ત્યારે રંગભૂમિ માટે ઉત્તરગુજરાતે તૈયાર વસ્તુની ખાણ રજૂ કરી. સ્વ. અમૃતકેશવ નાયકનું ગુજરાતી રંગભૂમિ પર આગમન થયા પછી આ સમગ્ર કોમ ગુજરાતની રંગભૂમિ પર છવાઈ ગઈ.જૂના કાળમાં જ્યારે સ્ત્રી પાત્રો કરતા પુરૂષોની ખોટ વરતાતી ત્યારે નાટકના મેનેજરો પહેલાં ઉત્તર ગુજરાતનાં ગામડા ઢંઢોળતા અને તે પછી જ મારવાડ જતાં.આમ આપણી રંગભૂમિનો અભિનય અને રૂપથી મઢી લેનાર આ કોમનો ઇતિહાસ કલાની દ્રષ્ટિએ જ નહિ પણ નૃવંશશાત્રની દ્રષ્ટિએ પણ રસિક બની જાય છે.
લેખક:-શ્રી હરકાન્ત શુક્લ
ગુજરાતના સાંસ્ક્રુતિક પ્રવાહો માંથી સાભાર.