Posterous theme by Cory Watilo

Nitin Patel

Nitin Patel

Email :- nitin.vadgam@gmail.com

Mobile :- 09429407732

Website :- www.vadgam.com

નવા વર્ષે નવા બનીએ.

[ મીરાબેન ભટ્ટ દ્વારા 'નવા વર્ષે નવા બનીયે' પુસ્તકમાં લિખિત આ લેખ www.vadgam.com ઉપર લખવા માટે પરવાનગી આપવા બદલ આદરણિય મીરાબેન ભટ્ટનો ખૂબ ખૂબ આભાર.આપ તેમનો આ નંબર પર +91 9376855363 સંપર્ક કરી શકો છો.- પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવેલ છે.]

Diwali-2

દિવાળી આવી રહી છે

દિવાળીની ઘણી રાહ છે

કારણ કે અંતરમાં પ્રકાશની ચાહ છે.

 

દિવાળી એટલે પ્રકાશનું પર્વ

નિરંતર અંધકારમાં ભટકતા જીવને

પ્રકાશની તગતગતી તલાશ

અંતરમાં એક જ આ આશ

દીપાવલી બૂજવશે ઊજાશની આ પ્યાસ.

 

દીપાવલીનો દીપોત્સવ

દીવો,બીજો દીવો,ત્રીજો...ચોથો

એમ દીવાની લાંબી હાર

રચે સુંદર દીપમાળ.

 

એક ઝગારો  થાય ન થાય

ત્યાં આસપાસનું સઘળુ ઊગે છે ત્યારે

અંધકારમાં લપેટાયેલી સમસ્ત સૃષ્ટિ 

ઊઘડતી જાય છે.

 

પ્રકાશ એટલે ઊઘાડ.

કશુંક ઊઘડતું દીસે

તો સમજવું કે

આસપાસ ક્યાંક પ્રકાશનું કિરણ ફૂટ્યું છે.

 

ઊઘડવુ એટલે બંધ બારણાનું ખૂલી જવું

ઊઘડવું એટલે બંધ કળીનું ખૂલી જવું

અને પછી ખીલી જવું

હૈયાનાં બંધ ખૂલી જાય

તો સાંપડી શકે સાત સાત સાગર અપાર !

 

દિવાળી આવે અને

આપણે એવા ને એવા

વાસી રહીએ તો ન ચાલે

દિવાળી એટલે વાસીપણાને તજી

કશાક નવા-નક્કોર,તાજા-નરવા

પરિવેશમાં પ્રવેશ કરવાનો ઊ ત્સવ.

 

દીવો પ્રગટે

અને જીવન કરવટ ન બદલે

તેવું કેમ બને ?

ફૂલ ઊ ઘડે છે ત્યારે

એમાં સુગંધના દીવા પ્રગટે છે

પ્રભુતાનાં પુનિત પગલાં થાય છે

એવું કવિ-ક્રાંતદર્શી કહે છે

 

એટલે ચાલો,આ વખતના નવા વર્ષના

નવલા શુભારંભમાં

નવો ઊજાશ,નવી પ્રેરણા,નવા ઊ ન્મેષ

જગાડવાનો શુભ સંકલ્પ કરીએ.

 

દીપાવલીનો આલોક

એ તો

પૃથ્વીલોકની પ્રકાશગંગા

આકાશગંગા સમી ઊ જ્જ્વળ

શુભ અને શુંભકરી !

આ પુણ્યતેજને તાગવા

અને વળી પામવા

ચાલો,ઊજવીએ પરવ

આ વહાલુડી દિવાળીનો.

 

કવિ મકરંદનો સધિયારો

આપણા ઊ રે છે,જે કહે છે.

 

-          આંખ સામે ઊ ગતો દિન રાખીએ

-જે મળી સૌરભ જીવનમાં ચાખીએ

-કોણ જાણે છે હદય પીસી પ્રભુ

-રંગ અંગોમાં નવાં ઘૂંટી જશે.

 

સંકલ્પ કર્યો છે

નવા શુભારંભનો

પરંતુ મારો જીવનકોશ કહે છે કે

શુભારંભ અગાઊ

આદરવાનો હોય છે,

પૂર્વારંભ,પ્રારંભ !

 

પ્રારંભ એટલે પૂર્વતૈયારી

દીવો તો સાવ સમી સાંજે પ્રગટાવવાનો હોય,

પણ દીવડી અજવાળીને ચકચકિત કરવી,

રૂને હથેળીમાં ફેરવી વાટ તૈયાર કરવી,

ઘીમાં બોડી,દીવડીના પૂરેલા તેલમાં ગોઠવવી

દીવાસળીની પેટી હાથવગી કરવી....

આ બધી પૂર્વક્રિયાઓ છે,

આરંભ પહેલાનો પ્રારંભ

જે ઢળતી બપોરે કરી લેવાનો હોય છે.

દિવાળીની ઢળતી બપોરે કરી લેવાનો હોય છે.

 

દિવાળીની ઢળતી બપોર કઈ ?

આસો મહિનો બેસે ન બેસે

ત્યાં ઢળવા માંડે છે મારા

વીતેલા વર્ષની ભરબપોર !

આ જ તો ટાણું છે જ્યારે

આદરવાનો છે આરંભ પહેલાનો ય આરંભ !

 

ચોપડામાં બાર-બાર મહિનાનું સરવૈયું

જમા-ઊ ધારના બાદબાકી-સરવાળા,

લેણ-દેણની સોંપણી-નોંધણી

નફા-તોટાના તમામ હિસાબ માંડી

ચોપડો પૂરો કરવાનો છે આ ગાળો.

 

પ્રારંભ એટલે વળી,

ગૃહિણીના હાથમાં વાંસે બાંધેલું ઝાડું !

છત પરના,ખૂણા-ખાંચરાનાં

તમામ બાવાં-જાળા,ધુળ-કચરા વાળી-ઝૂડી

ઘરના ભંગાર વેચી-કૂચી

અભરાઈ પરનાં વાસણો અજવાળી

ચક્ચકિત કરવાના આ દિવસો !

 

પાલવ કમ્મરે વીંટાઈ ગયો છે,

ઘડીની ય ફૂરસદ નથી.

ભાઈ,આ તો દોહ્યલા તહેવાર

કશું ઊ ણું-અધૂરું,ગંદું-નબળું ચલાવી ન લેવાય

બધું ચંદન-ચોક સમું

સાફ-સ્વચ્છ,શુદ્ધ-નિર્મલ,ચોખ્ખું ચટ !

 

દિવાળી એટલે બધું ઊજળું-ઊજળું

ઊ જળું કરવા વાસણો અજવાળવા પડે

આપણા મહારાજ કહે

ઊજળા થવા ઘસાઓ !

ઘસાઈને ઊજળા થાઓ

વાસણ ઘસાય ત્યારે અજવાળાય !

 

હિસાબ ચોખ્ખા થાય,

ઘર-આંગણાં પણ ચોખ્ખાં ચટ્ટ

હવે બાકી શું રહ્યું?

નવા ચોપડા આવી ગયા,સાથિયા પુરાઈ ગયા

નવાં રંગરોગાન,નવા વસ્ત્ર-પરિધાન

છતાંય હવામાં કશીક વાસ છે

વાસીપણાની.

 

વાસી છે આપણું મન !

ઘર-દુકાન,વસ્ત્રલંકાર બધુ નવું

પરંતુ મન તો એનું એ

જરી-પુરાણું,રાગ-દ્વેષ

અને મારા-તારાના વેરઝેરથી !

ખદબદતું-ધગધગતું !

 

મનની આ બદી ભૂતાવળ મટાવવા

 

કઈ આમલીની ખટાશ શોધું ?

શેણે ધોઉં મારા મનના મેલ,

જળોની જેમ ચોંટેલા

પીધા કરે છે,ચૂસ્યા કરે છે તનના રક્ત !

કેમ કરીને તજું

ચિત્તને ચોંટીને વળગેલા આ કષાયોને

 

આ દિવાળી તો આવી પહોંચી

સંભળાઈ રહ્યા છે એના પગલાં,

સ્વાગતની શરણાઈના સૂર !

મંગળ પર્વ ! શુભ અવસર !

પ્રકાશનો ઊ ત્સવ ! નૂતન વર્ષનાં વધામણાં !

પણ....પણ !

 

પણ-બણ કશું નહી !

કરવાનો છે શુભ સંકલ્પ,

મક્કમ નિર્ધાર,નિશ્વય પણ !

કે દીપાવલીની આ ઊ જવણીમાં

ઊજળાં કરવાં છે તન-મન ને જીવન

અને આદરવું છે

નૂતન વર્ષનું નિરાળું નવજીવન !

[પુસ્તક પ્રાપ્તિની વિગત :-પુસ્તક:-"નવા વર્ષે નવા બનીયે", પ્રાપ્તિસ્થાન:-નવભારત સાહિત્ય મંદિર,અમદાવાદ , કિંમત:-રૂ.૬૦/- ]

લેખક નો ટેલીફોન નં- ૦૨૬૫-૨૪૩૨૪૯૭

 

રાવણહથ્થો

www.vadgam.com

ગુજરાતમાં ગજથી વાગતાં લોકવાંજિત્રોમાં રાવણહથ્થો જ એક માત્ર વાદ્ય  છે.આ વાદ્ય  ગુજરાતમાં જ નહિ રાજસ્થાનમાં પણ જોવામાં આવે છે.રાવણહથ્થો એ પ્રાચીનકાળનું પુરાણું વાજિંત્ર છે અને લૌકિક કથા મુજબ રાવણ જ્યારે સાધુ વેશમાં સીતાનું હરણ કરવા આવ્યો ત્યારે તેના હાથમાં વાજિંત્ર હોવાથી તેનું નામ સંસ્ક્રુત ગ્રંથોમાં રાવણહસ્તવીણા તરીકે વર્ણવવામાં આવેલ છે.રાવણહથ્થો ઘણું સાદું વાજિંત્ર છે.બે ફૂટની પોલી વાંસની દાંડી ઉપર બે તાર અગર તો ઝીણી તાંત બાંધવામાં આવે છે.નીચેના ભાગમાં કાચલી ઉપર ચામડું મઢી લેવામાં આવે છે.રાવણ હથ્થો વગાડવાનો સિધ્ધાંત લગભગ વાયોલિનને મળતો આવે છે અને ખાસ કરીને ફરતા સાધુઓ અને બાવાઓ,ભરથરીઓ લોકગીતો અને ભજનો ગાવામાં સવિશેષ ઉપયોગ કરે છે.

આજે આવા જ એક ભરથરી કૈલાશભાઈ છગનભાઈ કે જેમનું વતન વડગામ પાસેના ખરોડીયા ગામ છે તેઓ જ્યારે વડગામમાં પ્રાચિન લોકવાદ્ય  રાવણહથ્થો લઈને ભજન ગાઈ રહ્યા હતા અને ભિક્ષા માંગી રહ્યા હતા ત્યારે તેમનો વિડીયો શૂટ કરીને અહીં મુકવામાં આવ્યો છે.તેમના જણાવ્યા અનુસાર રાજા રાવણે તેના હાથ-પગની નશો કાઢીને રાવણહથ્થો બનાવીને ભગવાન શંકરની સ્તુતિ ગાઈને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા.ત્યારથી આ વાદ્ય  રાવણહથ્થો તરીકે ઓળખાય છે.તેમના જણાવ્યા અનુસાર આ રાવણહથ્થાની કિંમત લગભગ રૂ.૨૦૦ થી ૫૦૦ વચ્ચે હોય છે.

અંતે જ્યારે મે તેમને વિડીયો શૂટ કરીને જુનું પેન્ટ આપવા ગયો ત્યારે તેમણે વિનંતી કરી કે સાહેબ ઘરમાં કોઈ જુનો સાડલો હોય તો આપો,મારી દિકરી સાસરેથી આવશે ત્યારે તેને હું આ સાડલો ઓઢાડીશ ત્યારે ખુશ થશે.અને અંતે તેઓ અમારા માટે ભગવાન વતી અઢળક આશિષ આપતા શબ્દો બોલતા વિદાય થયા ત્યારે અમે આ ગરીબ પરંતુ સ્વમાની કલાકારને જોતા રહ્યાં અને તેમનામાં રહેલી માનવીય લાગણીયોને સમજતા રહ્યાં.  

www.vadgam.com


 

૨૧મી સદીનું આદર્શ ગામ કેવું હોવું જોઈએ?

[ પ્રસ્તુત લેખ  ૨૧મી સદીનું આદર્શ ગામડું  પુસ્તક માંથી સાભાર લેવામા આવ્યો છે.આ લેખના લેખક શ્રી રાજેન્દ્ર દવે છે.પુસ્તક પ્રાપ્તિસ્થાનની માહિતી લેખના અંતે આપવામાં આવી છે.]

www.vadgam.com

ભારત એટલે ગામડાઓનો દેશ.મહાત્મા ગાંધીજીએ આથી જ કહ્યું હતું : તમારે સાચા ભારત દેશના દર્શન કરવા હોય તો ગામડાંઓમાં જવું જોઈએ. દેશની એક અબજની વસ્તીમાંથી ૭૪% વસ્તી આજે ગામડાઓમાં વસે છે.પરંતુ આઝાદીના ૬૦ વર્ષ પછી આપણા આ ગામડાઓ જીવનજરૂરી આવશ્યક સુવિધાઓથી વંચિત છે !

દેશ અંગ્રેજોની ગુલામી હેઠળ હતો ત્યારે આપણાં ગામડાં ગરીબ અને બિચારા ગણાતા હતાં.આજે   ઝાદી પછી પણ આપણું ગામડું ગરીબ અને બિચારું જ રહ્યું છે. આમ કેમ ? ગામડાંમાં આજે પીવાનું પર્યાપ્ત પાણી નથી,પણ મિનરલ વોટરની બોટલોનું હાઈ-વે પરની દુકાનોમાં વેચાણ થતું હોય છે.

ગાંધીજી કહેતા હતા કે,ગામડા કાચા માલનું ઉત્પાદન કરે છે,જ્યારે શહેરો કાચા માલને પાકા માલમાં રૂપાંતર કરવાની કાર્યવાહી કરે છે.પરંતુ નફાનો મોટો ગાળો શહેરી વિસ્તારને મળે છે.જ્યારે ગામડાને ભાગે મજૂરી ખર્ચ પણ છૂટતો નથી.ટૂંકમાં આર્થિક વ્યવસ્થા અને હાલની બજાર યંત્રણાને કારણે જ ગામડાની આ હાલત છે.

ગાંધીજીએ કહેલું : ભારતના ગામડાંઓનો સર્વાંગી વિકાસ સધાશે તો જ દેશ સમૃદ્ધ  બનશે અને એ જ સાચુ ગ્રામસ્વરાજ. પરંતુ આજે ૨૧મી સદીના આરંભે પણ આપણા દેશના ગામડાની હાલત દયનીય છે.ગામડા અંગે શહેરીજનોમાં અનેક ભ્રમો ઘર ઘાલી બેઠા છે.આ જ શહેરોનાં દૂષણો,વ્યસનો અને ઋણના ભારે બોજા ગામડાંને ભાંગી રહ્યા છે.

દેશના ગામડાના ઉદ્ધાર  માટે,અનેક યોજનાઓ બની છે અને બનતી રહે છે પરંતુ આ યોજનાઓનો લાભ ગામડાંને કેટલા પ્રમાણમાં મળે છે એ આપણે સહુ જાણીયે છીયે.કોઈ પણ ગામડું હોય તેને પીવા માટે સ્વચ્છ પાણી,પાકી સડક અને વિજળીની સુવિધા જેવી જીવનજરૂરી આવશ્યક સુવિધાઓ મળવી જ જોઈએ.પરંતુ આજે દેશના સેકંડો ગામડા એવા છે જે પાયાની આ સુવિધાઓથી હજુયે વંચિત જ છે.

આજે આપણા દેશના ગ્રામીણ વિસ્તારોના ૧૦ કરોડ કુટુંબો એવા છે કે તેમના ઘરમાં પીવાના પાણીની સુવિધા જ નથી. ૧૫ કરોડ ઘર એવા છે કે તેમને ત્યાં વીજળી હજુ સુધી પહોંચી નથી.આ ઘરોમાં ફાનસ કે દીવડાના અજવાળે જ વાળું થાય છે.! દેશના ૪૦ ટકા ગામડાં એવા છે જ્યાં પાકી સડકની સગવડ નથી.

ગાંધીજીની માફક સરદાર વલ્લભભાઈ પટેલને પણ દેશના ગામડાની ચિંતા હતી.તેમને ગામડાની હાલત બદલવી હતી.તેમણે ગ્રામસુધારણા માટે જે વાતો કરી છે જે આજે પણ આપણા ગામડાંએ ધ્યાને લેવા જેવી છે.સરદાર પટેલે કહેલું ગામની અંદર ધુળ ન હોવી જોઈએ.રહેવાની જગ્યા સાફ રહેવી જોઈએ.કુદરતે આપેલી સ્વચ્છ હવા બગડેલી ન હોવી જોઈએ.બધાને સ્વચ્છ હવા મળે એ ગ્રામજનોએ જોવું જોઈએ.ગામમાં ધૂળ,ધુમાડો કે ગંદકી ન હોવા જોઈએ.ગામની અંદર ઠેકઠેકાણે શૌચક્રિયા કે પેશાબ ન થાય.બાળકો પણ ગંદકી ન કરે એ તેમના મા-બાપે જોવું જોઈએ.મેલું ક્યાં જાય છે,એની તો ખબર પણ પડવી ન જોઈએ.ગામ સુંદર,સ્વચ્છ અને બગીચા જેવું સોહામણું હોય.બધા ભાઈ ભાઈ તરીકે રહેતા હોવા જોઈએ.તેમાં કોર્ટ-કચેરી ન હોય અને પંચાયતનું રાજ્ય હોય.

આદર્શ ગામ અંગેની સરદાર પટેલની આ વાત હૈયે ઉતારવા જેવી છે.૨૧મી સદીનું આદર્શ ગામ કેવું હોવું જોઈએ તેની કલ્પના સરદાર પટેલના આ વિચારો થકી કરી શકાય એમ છે.પ્રત્યેક ગામડું પાકી સડકથી  તેના તાલુકા મથક,જિલ્લા મથક અથવા તો નજીકના મોટા ગામ સાથે સંકળાયેલું હોવું જોઈએ.

ગામની કાચી સડકોને ગ્રામજનો શ્રમયજ્ઞ  દ્વારા સમથળ બનાવી પેવરકામ કરી પાકી સડક જેવી જ બનાવી શકે.ગામમાં જ્યાં બસ ઉભી રહેતી હોય ત્યાં ગામમાંથી આવતી-જતી બસોનું સમયપત્રક મૂકેલું હોવું જોઈએ.

ગોંડલ સંસ્કૃતિસર્જક મહારાજા ભગવતસિંહજી એક આદર્શ રાજવી હતા.તેમના સમયમાં ગોંડલ રાજ્યના પ્રત્યેક ગામમાં દરવાજો,પશુઓ માટે અવેડો અને નિશાળ જોવા મળતા આજે આદર્શ ગામમાં દરવાજાનું સ્થાન સુશોભિત કમાનને આપવું જોઈએ.ગામના પ્રવેશ દ્વારના પ્રતીકરૂપે આવી કમાન ઉભી કરી શકાય.આદર્શ ગામમાં શાળા હોવી જોઈએ.આ શાળા અંધારિયા ઓરડા અને પડું પડું થઈ રહેલી દીવલોવાળી નહી,પણ હવાઉજાસની પૂરતી સગવડવાળી વિશાળ પટાંગણ અને ક્રીડાંગણવાળી હોવી જોઈએ.શાળાનું મકાન એવું હોવું જોઈએ કે બાળકોને હોંશે હોંશે ત્યાં ભણવા આવવાનું મન થાય.

આદર્શ ગામમાં પીવાના પાણીની સગવડ માટે પાણીનો ટાંકો હોવો જોઈએ.પાસે જાહેર નળ હોવા જોઈએ.જ્યાં પાણીનો સહેજ પણ બગાડ ન થતો હોય.પાણીનાં ખાબોચિયા ન ભરાઈ રહેતા હોય.સમગ્ર ગામમાં ગંદા પાણીના નિકાલ માટે ગટરની સુવિધા હોવી જોઈએ.શેરીઓમાં કે ઘરના આંગણાઓમાં ગંદુ પાણી ઢોળાતું ન હોય ,ખુલ્લા મેદાનમાં ક્યાંય ગટરના ગંદા પાણીના ખાબોચિયાં ભરાઈ રહેતા ન હોય.

ઘરે ઘરે શૌચાલયની સુવિધા હોવી જોઈએ.એ ઉપરાંત ગામમાં પાણીની બચત થાય અને ખાતર પણ મળી રહે એવા આદર્શ જાહેર શૌચાલયો પણ હોવા જોઈએ.પશુધન ધરાવતા ખેડૂતો અને માલધારીઓને ત્યાં ગાયો-ભેંશોના છાણ અને મૂત્રમાંથી ગોબર ગેસનું ઉત્પાદન થઈ શકે.આ ગેસથી ચૂલા ચાલી શકે.

ગામમાં એક સુંદર બગીચો હોવો જોઈએ.ફૂલ-છોડ અને વૃક્ષોથી હર્યોભર્યો આ બગીચો પ્રત્યેક ગ્રામવાસી માટે ટાઠક આપનારો બની રહે.ગામના માલઢોર માટે પીવાના પાણીનો એક જાહેર અવેડો ગામમાં હોવો જોઈએ.ગામના યુવાનો નિયમિત અવેડાની સફાઈ કરી  તેમાં પાણી ભરી અબોલ જીવોની સેવા કરી શકે.ગ્રામજનોને દેશ-વિદેશના સમાચારો જાણવા મળે એ માટે ગ્રામપંચાયતની કચેરીમાં એક જાહેર ટેલિવિન મુકાયેલું હોવું જોઈએ.એ જ રીતે ગ્રામપંચાયત સંચાલિત વાંચનાલય પણ હોવું જોઈએ,જ્યાંથી ગ્રામજનોને અખબારો,સામયિકો અને પુસ્તકો વાંચવા માટે મળી શકે.

ગામની મહિલાઓ કે જેઓને પોતાના ઘરમાં પૂરતી સુવિધા ન હોય તેઓ કપડાં ધોઈ શકે એવો ધોબીઘાટ હોવો જોઈએ.ગામની મહિલા એકત્ર થઈ શકે,મહિલા ઉત્થાનની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી શકે એ માટે મહિલાઓ માટે ગામમાં સારું સુવાવડઘર પણ થઈ શકે.આજ રીતે ગામમાં નાટક,ફિલ્મ કે અન્ય મનોરંજન કાર્યક્રમ યોજી શકાય એવા જાહેર હોલની સુવિધા હોવી જોઈએ. 

પાણીને અછત એ ૨૧મી સદીની વૈશ્વિક સમસ્યા બની રહેવાની છે.આ સમસ્યાને હળવી બનાવવા ગામડું અનેક રીતે પોતાનું યોગદાન આપી શકે.ગામના દરેક ખેતરનો કૂવો રિચાર્જ થયેલો હોવો જોઈએ.એ જ રીતે ગામની દરેક ડંકી પન રિચાર્જ થયેલી હોવી જોઈએ.ગામમાં સામૂહિક શ્રમયજ્ઞથી ઓછામાં ઓછો એક ચેક ડેમ બનાવી શકાય.પાણીની કિંમત સમજી ખેડૂતો પોતના ખેતરમાં ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ (ટપક સિંચાઈ પધ્ધતિ) વસાવે તો જળસંચયની પ્રવ્રુતિમાં પોતાનું યોગદાન આપ્યું ગણાશે.ગામના માલધારીઓનાં પશુઓ માટે ગામમાં જ દવાખાનું હોવું આવશ્યક ગણાય.આ જ રીતે ખેડૂતોની ખેતી અંગેની માહિતી મળી રહે એ માટે કૃષિ માહિતી કેન્દ્ર શરૂ કરી શકાય.એ જ રીતે ગામમાં ગૌશાળા પણ ચાલતી હોવી જોઈએ.

સમગ્ર ગામમાં એક કરતા વધુ જગ્યાએ લાઉડસ્પીકર ગોઠવેલા હોવા જોઈએ.જેનું સંચાલન એક જગ્યાએથી થતું હોય.આવા લાઉડસ્પીકરનો ઉપયોગ સમસ્ત ગ્રામજનોને જાહેર સૂચના,માહિતી આપવા માટે થતો હોવો જોઈએ.ગામના ચોરે કાળું પાટિયું મુકાવું જોઈએ.જેનો ઉપયોગ ગામના સારા-માઠા સમાચાર,સુવિચાર,અન્ય માહિતી કે સમાચાર લખવા માટે કરી શકાય.

શહેરના દૂષણો-વ્યસનો ગામડાંને પણ આભડી ચૂક્યાં છે.ચા-પાનની લારી વિનાનું ગામડું શોધ્યું મળે એમ નથી.પરંતુ આદર્શ ગામ તો એને જ કહી શકાય કે જ્યાં ચા-પાનની એક પણ લારી-હોટેલ ન હોય.ગામનો એક પણ પુરુષ દારૂનું સેવન કરતો ન હોય.ગામનો એક પન યુવાન ગુટખા અને તમાકુ ખાતો ન હોય.

ગામમાં ક્યારેય મારામારી કે તોફાનનો પ્રસંગ ઉપસ્થિત થતો ન હોય.ગામ અને ગ્રામજનોની સેવા માટે પોલીસ-ચોકી હોય,પણ પોલીસ ચોકીના દફ્તરે ક્યારેય કોઈ ફરિયાદ નોંધાતી જ ન હોય એવી રીતે ગ્રામજનો સંપ અને સુલેહ થી રહેતા હોવા જોઈએ.

આદર્શ ગામ અંગેની આ કલ્પનાઓ હૈયે ઉતારવા જેવી છે.આવી નાની નાની બાબતો અંગે નિરધાર કરવા જેવો ખરો.ક્રમશ: આ વાતોને કોઈ પણ ગામ માટે લાગુ પાડી શકાય.જો એમ થશે તો ગામડાની હાલત સુધરતી જશે.એક આદર્શ ગામ બનાવવાના મારગે આ રીતે આગળ વધી શકાશે.

[પુસ્તક પ્રાપ્તિની વિગત: પ્રવીણ પ્રકાશન પ્રા.લિ.,લાભ ચેમ્બર્સ,મ્યુ.કોર્પો.સામે.ઢેબર રોડ,રાજકોટ.કિમંત-રૂ.૬૫/-]    

www.vadgam.com

 

 

નવરાત્રી-મહાશક્તિ ની પૂજા અર્ચનાનું પર્વ.

www.vadgam.com

વડગામ પંથકના ગામડાઓમાં નવલી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે જે ગરબો ગુજરાતના ગામડે ગામડે અને શહેરેશહેરમાં અતિ લોકપ્રિય લોકનૃત્ય  છે તેની પાછળ ઘણો મોટો ઇતિહાસ પડ્યો છે,અને આર્યોના આગમન પહેલાંના સિંધુ-સંસ્કૃતિ કાળ જેટલો તે જુનો છે.પ્રાગૈતિહસિક કાળમાં ગુજરાત સિંધુ-સંસ્કૃતિનો અંતર્ગર્ત ભાગ હતું તે તો લોથલના અવશેષો પરથી સિદ્ધ  થયું છે.સિંધુ-સંસ્કૃતિ ના જે અવશેષો મળી આવ્યા છે તેમાં માતાજીની મૂર્તિઓ મળી આવતા આ કાળમાં શક્તિપૂજા અસ્તિત્વમાં હતી તેમ માનવામાં આવે છે.આમાં શિવની મૂર્તિઓ અને શિવલિંગો પણ મળી આવતા શિવ અને શક્તિ એ આર્યોના નહિ પણ અનાર્યોના દેવો હતા તેમ સિદ્ધ  થાય છે.કાળે કરીને જ્યારે આર્યો અને અનાર્યો વચ્ચે સંસ્કાર અને ધર્મનો સમન્વય થવા લાગ્યો ત્યારે આર્યોએ શિવ અને શક્તિ બનેંનો સ્વીકાર કરી લીધો.વૈદિક કાળના અંતિમ ભાગથી માંડી પુરાણકાળ સુધીમાં શક્તિના અનેક સ્વરૂપો થયાં અને પૂજાવા લાગ્યાં.વિશ્વમાં જે ચેતનશક્તિ જોવામાં આવે છે,જે શક્તિ વડે વિશ્વનું તાલ અને ક્રમબદ્ધ રીતે સંચાલન થાય છે અને જ્યાં જ્યાં એનર્જી એટલે શક્તિ જોવામાં આવે છે તે વિશ્વવ્યાપક મહાશક્તિનું જ સ્વરૂપ છે તેવી શક્તિપૂજકોની માન્યતા છે અને જ્યોત તેનું પ્રતીક ગણાય છે.આપણે ત્યાં જે નવરાત્રી મહોત્સવ ઉજવાય છે એ પણ આદ્યશક્તિનું મહાપર્વ છે અને શક્તિપૂજામાં કાણાવાળા માટીના,રંગેલ અને ચિત્રકામવાળા ઘડામાં જે દીવો મૂકવામાં આવે છે તે ગર્ભદીપ કહેવાય છે અને આ ગર્ભદીપની અખંડ જ્યોતનું પૂજન કરવામાં આવે છે.ગુજરાતમાં શક્તિપૂજા પ્રથમ આદિવાસીઓમાં પ્રચલિત હતી અને આજે પણ છે.ગુજરાતમાં આ પ્રજા પ્રાચિન કાળથી જોવામાં આવે છે અને તેની પૂજામાં યંત્રની પૂજા મુખ્ય છે.ભારતભરમાં બાવન જેટલા શક્તિપીઠો જુદાં જુદાં સ્થળોએ આવેલા છે,જેમાં એક સાથે ત્રણ શક્તિપીઠો આવેલા હોય તો તે ફક્ત ગુજરાતમાં જ જોવામાં આવે છે.આ શક્તિપીઠો છે આરાસુરના અંબાજી,પાવાગઢના મહાકાળી અને ઉત્તરગુજરાતનાં બહુચરાજી,જ્યાં પ્રથમ યંત્રપૂજા જ થતી,અને મૂર્તિઓ પાછળથી આવેલ છે.આજે પણ મૂર્તિઓ પાસે યંત્રો છે.

ગરબાની ઉત્પત્તિ માટે એક એવી માન્યતા છે કે પ્રાગૈતિહાસિક કાળમાં એવો રિવાજ હતો કે જે સ્ત્રીઓને બાળકો થતાં ન હોય તે આ ગર્ભદીપ એટલે ગરબા માથે લઈને માતાજીની મૂર્તિની પ્રદક્ષિણા કરે અને તેમ કરતા માતાજીની સ્તુતિ સાથે નૃત્ય કરે.અન્ય સ્ત્રીઓ પણ આ સ્તુતિ અને નૃત્યમાં સાથ આપતી.આમ ગરબાનો ગોળાકાર આ પ્રદક્ષિણાની ધાર્મિક વિધિમાંથી જન્મ્યો છે.ગરબામાં જે દીવો મુકવામાં આવતો તે ગર્ભજીવનનું પ્રતીક મનાતો અને તેની જ્યોતની જેમ બાળકરૂપી જીવનજ્યોતની પ્રાપ્તિ માટેની આ ધાર્મિક વિધિ હતી.ગરબાનૃત્ય  આ કારણે સ્ત્રીઓનું જ નૃત્ય  હતું અને આજ સુધી તે સ્ત્રી નૃત્ય તરીકે જ સચવાઈ રહ્યું છે,જે ઉપરની વાતને પુષ્ટિ આપે છે.નવરાત્રીમાં માતાજીની ભક્તિમાં ગવાય તે ગરબો તેવી માન્યતા છે.પરંતુ આજે હવે આવા ભેદ ક્યાંય રહ્યા નથી. સ્ત્રીઓ નૃત્ય  સાથે ગાય તે ગરબા અને પુરુષો ગાય તે ગરબી. 

અમુક વર્ષો પહેલા વડગામ ગામમાં આવેલ ઐતિહાસિક એવા શ્રી બ્રહ્માણી માતાજી મંદિર માં પુરૂષો દ્વારા ગરબીની જોરદાર જમાવટ થતી,આ એક રાસનો પ્રકાર જ હતો જેમા નવરાત્રી પ્રસંગે પુરૂષો દાંડીયા દ્વારા તાલબદ્ધ રીતે ગરબી ગાતા,આ ગરબી માત્ર નરઘાં અને મંજીરા દ્વારા જ રમાતી પણ એનો તાલમેલ એટલો તો જોરદાર હતા કે બેઘડીક તમને જોવું અને સાંભળવુ ગમે.આ ગરબી મંડળ પંથકમાં વખણાતું અને તેના અનેક સભ્યો પણ હતા.ગરબી રમવાના પણ અમુક નિયમો હતા. આજે પણ આવી મંડળી વડગામમાં અસ્તિત્વ ધરાવે છે પણ જુના જમાનામાં જેવા ગરબી ગાનારા,ગરબી ઝીલનારા અને ગરબી રમનારા પુરૂષો હતા તેનો અભાવ જરૂર વર્તાય છે અને હાલમાં માત્ર વ્યક્તિગત ધોરણે કોઈને માનતા રાખેલી હોય અને તે પ્રસંગે આવા ગરબી મંડળને આમંત્રણ આપે તો  તેવા પ્રસંગે ગરબી ગવાય છે અને રમાય છે.  

ભારતના શાસ્ત્રોક્ત માન્યતા પ્રમાણે તેત્રીસ કરોડ દેવી-દેવતાઓમાંની નવ વિધ્યમાન દેવીઓની પ્રશંસા દ્વારા મહિમા વધારતો આસો સુદ એકમથી નવ દિવસ માટે ઉજવાતો નવરાત્રીનો આ એક આગવો અને અનોખો પ્રસંગ છે.

નવરાત્રીની નવ દેવીઓ આ પ્રમાણે છે: શ્રી અંબાદેવી,શ્રી કાલિકાદેવી,શ્રી ગાયત્રી દેવી,શ્રી સંતોષીમા,શ્રી ખોડિયાર માતાજી,શ્રી લક્ષ્મીદેવી,શ્રી બહુચરમાતા,શ્રી સરસ્વતી દેવી અને શ્રી ઉમિયા દેવી.

પરમ શ્રેયકારી નવદુર્ગા નવસ્વરૂપ-સ્ત્રોત: 

(૧) અર્ધચંન્દ્ર મંડિત મુગુટે શોભતાં, વૃષભે જે આરૂઢ,ત્રિશુળ-પદ્મધારિણી,એ માશૈલપુત્રી નમોનમ:

(૨) પૂર્ણ જ્યોર્તિમય સ્વરૂપા,જપમાળા કમંડળ ધારણ કર્યા,સિધ્ધિ વિજયદાયિની,એ મા બ્રહ્મચારિણી નમોનમ:

(૩) ઘંટાકૃત અર્ધચંન્દ્રધારી દસહસ્તેશસ્ત્ર,સિંહારૂઢ,શરણાગત રક્ષક અભયદાત્રી,તેજદાત્રી મા,ચંદ્રઘંટા નમોનમ:

(૪) બ્રહ્માંડસર્જક સૂર્યલોકનાં,અષ્ટ હસ્ત,સિદ્ધીનિધિ જપમાળા ગ્રહી,યશ,બળ આયુષ્ય-આરોગ્ય દાત્રી,મા કુષ્માણ્ડાં નમોનમ:

(૫) માત કાર્તિકેયનાં,ચારહસ્ત,પદ્માસન કે સિંહારૂઢ વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ દાત્રી,મા સ્કંદમાતા નમોનમ:

(૬) ચાર હસ્ત,સિંહેસવારી,સ્વર્ણ સમાં જે ળહળે વ્રજમંડળ અધિષ્ઠાત્રી,મા, કાત્યાયિની નમોનમ:

(૭) પૂર્ણ શ્યામ વિખરિત કેશા,નેત્રગોળે વિદ્યુબકે ખડગ હસ્તે,ગર્દભ સવારી,મા કાલરાત્રીનમોનમ:

(૮) ગૌરવર્ણ,શ્વેત વસ્ત્ર,ચારભૂજા, વૃષભારૂઢ સર્વ સુખ શાંતિ દાયિની મા,મહાગૌરીનમોનમ:

(૯) સિદ્ધીદાત્રી પરમપદ દાત્રી,ચારભૂજા,સિંહારૂઢ,અર્ધનારીશ્વર,અમૃતદાત્રી,મા સિધ્ધિદાત્રી નમોનમ:

મન,વચન,કર્મ પરિશુદ્ધ કરી,ધ્યાન-પૂજન જો થાય,નવદુર્ગા માત કૃપા થકી,પરમ પદ અધિકારી થવાય.

ચૈત્રસુદ-૧  થી ચૈત્ર સુદ-૯ ચૈત્ર નવરાત્રી માતાના અનુષ્ઠાન માટે ઉત્તમ ગણવામાં આવે છે.આસો સુદ-૧ થી આસો સુદ-૯ શરદ નવરાત્રી માતાના ભક્તીપૂર્ણ ગીતો,ઉપાસના કરવા માટે ઉત્તમ ગણાય છે.

આજે તો નવરાત્રીનું પુરૂ સ્વરૂપ બદલાઈ ચુક્યું છે.ઠીક છે સમય મુજબ બધુ બદલાવાનું એને કોઈ રોકી શકવાનુ નથી,આજે તો ગામડામાં પણ ડીજે ઓર્કેસ્ટ્રા આવી ગયા છે અને અસલ ગરબા-ગરબી ની રોનક ક્યાંય પાછળ રહી ગઈ છે તે જોવા મળી રહ્યું છે,નવરાત્રી મહોત્સવના ગરબાને  આનંદથી માણીયે,રમીયે સાથે મા જગદંબા ની આરાધના કરવાનું ન ભૂલીયે અને આપણામાં રહેલી રાક્ષસીવૃત્તિઓને દૂર કરીયે અથવા તો દૂર કરવા માટે મા દુર્ગા ને પૂજા અર્ચન કરી વિનવણી કરીયે  તો નવલાનોરતાની ઉજવણી સાર્થક ગણાશે.

 

 

 

અભિનયનાં અજવાળા પાથરતી કોમ.

www.vadgam.com

નાત,જાત અને કોમ એ બધાને ભલે આપણે ધિક્કારીએ પરંતુ હકીકતે આ બધી કોમોમાં આપણો સમાજ વિભાજિત રહેલો છે.રાજકારણની દ્રષ્ટિએ નહિ પણ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ દરેક કોમ અને તેમાં ઉતરી આવેલા આનુવંશિક સંસ્કારો અને વૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવે તો ઘણી રસમય બાબતો મળી આવે છે.ગુજરાતમાં અનેક આનુંવંશિક અને પરંપરાગત ધંધાઓ તથા વ્યવસાયો કરતી કોમો છે.પરંતુ આ બધીમાં સંગીત, નૃત્ય અને નાટ્ય એમ ત્રિવિધ કલાને વરેલી કોઈ કોમ હોય તો તે ત્રાગાળાની કોમ છે.ત્રાગાળા-ભોજક કોમ નાયક તરીકે ઓળખાવા લાગી છે.તે બીજા ક્ષેત્રોમાં નાયક એટલે નેતાઓ છે કે નહિ તેની જાણ નથી,પણ સંગીત- નૃત્ય -નાટ્યના ક્ષેત્રને તેઓ સદીઓ થયા ખુંદી વળ્યા છે તેમાં તેઓ જરૂર નાયક છે.બુધ્ધિ અને કલાજીવી આ કોમ છે.રૂપ,અભિનય અને વાકપટુતા કુદરતે આપેલી તેમની બક્ષિસો છે.નાટ્ય અને સંગીતકલાની દ્રષ્ટિએ અભ્યાસ કરવા જેવી આ કોમ છે.

 

સંસ્કૃતિને ઘડનારા પરિબળોમાં સંગીત અને નાટ્યને સ્થાન હોય તો ગુજરાતના સંસ્કૃતિઘડતરમાં આ કોમનું પ્રદાન છે તેમ જરૂર કહી શકાય.આ કોમ બ્રાહ્મણ જ્ઞ્યાતિ ની એક શાખા જ છે,જેનો ઇતિહાસ પાંચસો વર્ષોથી જુનો હોય તેમ જણાતું નથી. સિધ્ધપુરના અસાઈત ઠાકરે ઊંઝા  ના હેમાળા પટેલની સાથે રોટી-બેટીનો વ્યહવાર શરૂ કર્યો અને તેથી સિધ્ધપુરના બ્રાહ્મણોએ કરેલા અસાઈત ઠાકરના બહિષ્કારમાંથી આ કોમનો ઉદ્દભવ  થયો છે.અસાઈત ઠાકર અને તેના બે પુત્રો માંડળ અને જયરાજ એ ત્રણેય કુટુંબોને હેમાળા પટેલે ઊંઝા બોલાવી જર,જમીન અને જોરુ ત્રણેય આપ્યાં.આ ત્રણ ઘરવાળાને ત્રણ ઘરાળા અને તેમાંથી ત્રાગાળા શબ્દ ઉદ્દભવ્યો હોવાનું કહેવાય છે. જૈનો સાથે ભોજનવ્યહવાર કરનારા શ્રીમાળી બ્રાહ્મણો ભોજક કહેવાયા અને તેઓ બહિષ્કૃત  થતાં ત્રાગાળા ભોજક વચ્ચે રોટી-બેટીનો વ્યહવાર શરૂ થયો.એ જ રીતે વ્યાસ અટકના કેટલાક બહિષ્કૃત  બ્રાહ્મણો ત્રાગાળા ભોજકનો ત્રિવેણીસંગમ પુરો થયો.આજે હવે જ્યારે જ્ઞ્યાતિપ્રથા તુટવા લાગી છે ત્યારે આ ભેદો નકામાં છે.

 

સિધ્ધ્પુર અને ઊંઝા એ ગુજરાતના મોટાભાગના બ્રાહ્મણોના આદિસ્થાનો હતાં.અહીંના બ્રાહ્મણોએ ચાર વેદો સંભાળ્યા,તો આ બ્રાહમણ કોમમાંથી ઉત્પન્ન થયેલી ત્રાગાળા કોમે સંગીત-નાટ્ય કલાનો પાંચમો વેદ સાચવ્યો.ગુજરાતની સંસ્કૃતિ દિલ્હીના સુલતાનોના હાથે રગદોળાતી હતી ત્યારે ગુજરાતના ધાર્મિક,પૌરાણિક અને કેટલાક ઐતિહાસિક વિષયોને લોકનાટ્ય સ્વરૂપમાં જીવંત રાખવાનું કામ આ ત્રાગાળા કોમે ભવાઈ દ્વારા કર્યું અને ગુજરાતની સંસ્કૃતિના મૂળનું નાટ્ય સંગીત દ્વારા સિંચન કર્યું. 

ભવાઈ એ શબ્દ ભવૈયામાંથી આવેલ હોવાથી તેનું સ્વતંત્ર અર્થઘટન કરવા જતાં કોઈ મેળ ખાતો નથી.તેના અર્થઘટનો આપણા સાહિત્યકારોએ કર્યા છે,જેમ કે ભવ્ય-આઈ,ભવ-વહી.ઉત્તર ગુજરાત અને મારવાડ એ પડોશી પ્રદેશો હોવાથી સાંસ્કૃતિક આદાન પ્રદાન તો સદીઓ થયાં ચાલતું હતું અને આજે પણ ઉત્તરગુજરાતના બોલી,પહેરવેશ અને લોકસંગીત ઉપર રાજસ્થાની સંસ્ક્રુતિની ભારે મોટી અસર રહી છે.આજે પણ રાજસ્થાનમાં ભવાઈએ લોકનાટ્યનું નહિ પણ લોકનૃત્ય નું જ સ્વરૂપ છે.જેમાં માથે પાંચ કે સાત બેડાં રાખી લોકનૃત્ય કરવાનો રિવાજ છે.

 

અગાઉના કાળમાં નરઘાં અને ભૂંગળ એ ભવાઈના મુખ્ય વાદ્યો હતાં.ભૂંગળ આમ તો ઘણું કર્કશ લોકવાજિંત્ર છે,પરંતુ ભવાઈ થતી હોવાની જાહેરાત માટે તે ઘણું ઉપયોગી ગણાય.ભવાઈ હોય ત્યાં ભૂંગળ હોય જ તેવી અનિવાર્યતા જોવામાં આવે છે.હારમોનિયમન પ્રવેશ પછી હવે ભવાઈમાં પણ હારમોનિયમનો ઉપયોગ થયા પછી તેનો અંત તાલબધ્ધ રીતે વાગતા આ ભૂંગળના અવાજથી આવે છે.આ વ્યવસાય મુખત્વે ઉત્તર ગુજરાતની ત્રાગળાકોમનો પરંપરાગત વ્યવસાય થઈ ગયો હતો અને પરિણામે વ્યવસાયી રંગભૂમિની શરૂઆત ગુજરાતમાં થઈ ત્યારે આ કોમ રંગભૂમિ ઉપર છવાઈ ગઈ.

 

સિધ્ધપુરના અસાઈત ઠાકરે આ લોકનૃત્ય માં સંવાદો ગોઠવી તેને લોકનાટ્ય સ્વરૂપમાં ફેરવી નાખ્યું અને સંવાદો પણ મારુ ગુર્જરી ભાષામાં હોવાથી રાજસ્થાનમાં પણ તે સમજી શકાય તેમ હતા.એ કાળમાં આ એક લોકનાટ્ય સ્વરૂપ હતું જેમાં સંગીત નૃત્ય વાદ્ય અને નાટ્ય એ બધાનો સમન્વય થયો હતો.આ લોકનાટ્ય સ્વરૂપમાં શરૂઆતમાં જે વેશો તૈયાર થયા તે પછી તેમાં અનેક વેશોનો ઉમેરો થયો છે અને તેમાંથી ૧૨૫-૧૫૦ જેટલા વેશો આજે લિખિત સ્વરૂપે મળી આવે છે.આ ભવાઈ રજુ કરનારા ત્રાગાળાઓ હતા જેમનો એ વ્યવસાય થઈ પડતાં સંગીત નાટ્ય, નૃત્ય વગેરેના સંસ્કારો આ કોમમાં આરૂઢ થઈ પડ્યા.ભવાઈમાં સ્ત્રી પાત્રો હંમેશા પુરૂષો જ ભજવતા એટલે સ્ત્રી સહજ અભિનય રજુ કરી શકે તેવો એક વર્ગ પણ ઉભો થવા લાગ્યો.અલબત આ લોકનાટ્યનું સ્વરૂપ હોવાથી અભિનય પણ લોકદ્રષ્ટિએ જ થતો.છતાં ભવાઈમાં અભિનયનું પ્રભુત્વ હોવાથી આ કોમમાં અભિનય કલા સાહજિક બની ગઈ અને જ્યારે ગુજરાતની રંગભૂમિની શરૂઆત થઈ ત્યારે રંગભૂમિ માટે ઉત્તરગુજરાતે તૈયાર વસ્તુની ખાણ રજૂ કરી. સ્વ. અમૃતકેશવ નાયકનું ગુજરાતી રંગભૂમિ પર આગમન થયા પછી આ સમગ્ર કોમ ગુજરાતની રંગભૂમિ પર છવાઈ ગઈ.જૂના કાળમાં જ્યારે સ્ત્રી પાત્રો કરતા પુરૂષોની ખોટ વરતાતી ત્યારે નાટકના મેનેજરો પહેલાં ઉત્તર ગુજરાતનાં ગામડા ઢંઢોળતા અને તે પછી જ મારવાડ જતાં.આમ આપણી રંગભૂમિનો અભિનય અને રૂપથી મઢી લેનાર આ કોમનો ઇતિહાસ કલાની દ્રષ્ટિએ જ નહિ પણ નૃવંશશાત્રની દ્રષ્ટિએ પણ રસિક બની જાય છે. 

 

લેખક:-શ્રી હરકાન્ત શુક્લ

ગુજરાતના સાંસ્ક્રુતિક પ્રવાહો માંથી સાભાર.

 

અફણ - અફીણ અને બંધાણી.

www.vadgam.com

અફણ શબ્દ વિશે લગભગ દરેક વ્યક્તિ પરિચિત હશે કારણ કે આપણા ગામડાઓમાં વિવિધ સમાજોમાં સારા-નરસા પ્રસંગે મહેમાનોની આગતા-સ્વાગતા માં અફણ કે અફિણનો  કસુંબો પણ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.આ અફણ સાથે જોડાયેલ એક શબ્દ તે બંધાણી.અફણનું જેને વ્યસન હોય તેવી વ્યક્તિઓ સમાજમાં બંધાણી તરીકે ની નામના ધરાવતા હોય છે.અને આવા બંધાણીઓ જ્યારે સારા-નરસા પ્રસંગે જ્યારે એકબીજાને પોતાના હાથે  અફણનો કસુંબો બનાવી પીવરાવતા હોય છે ત્યારે તે દ્રશ્ય જોવા જેવું હોય છે.જો કે હવે તો એવા બંધાણીઓ પણ રહ્યા નથી અને એવા રંગ કસુંબલ પણ ભૂતકાળની એક અવિસ્મરણીય યાદો બની ગઈ છે. 

હા તો અફીણ કે અફણ એ મૂળ તો પશ્વિમ એશિયાનો આ છોડ પ્રાચિનકાળથી ભારત તથા ચીનમાં જાણીતો છે.ભારતમાં માળવામાં તેનું વાવેતર થાય છે.છોડ માંથી ખાસ કરીને ડોડવામાંથી ચીરા મુકતાં રસ રે છે.તે તરત કાળાશ પડતો અને ઘટ્ટ બને છે.આ રસ બહુ માદક અને ઝેરી છે.તેને છરી વડે ઉપાડી લઈ તેમાં કાથો,એળિયો આદી ભેળવીને અફીણ તરીકે વેચવામાં આવે છે.અલ્પમાત્રામાં તે પાચનશક્તિ વધારી સ્ફૂર્તિ લાવે છે.પણ થોડા જ દિવસોમાં તેનું વ્યસન લાગુ પડે છે.વ્યસની અકાળ મરણ પામે છે.અફીણે ચીન અને ભારત જેવા દેશોને પછાત રાખવામાં મોટો ફાળો આપ્યો છે.આથી ઘણા દેશોમાં તેના વાવેતર,વેચાણ અને વપરાશ ઉપર કડક સરકારી નિયંત્રણ છે.ભારતમાં પાણીમાં અફણ ઘોળીને કસૂંબો બનાવી પીવામાં આવે છે.બંધાણી અફીણ ન લે તો થોડા દિવસ અનેક પ્રકારની બેચેની અને પીડા અનુભવે છે.અફીણ બાળગોળીમાં પણ વપરાય છે જે હાનિકારક છે.બીજા ઔષધોમાં પણ વપરાય છે.

તેના સૂકા ડોડા પોસના ડોડા કહેવાય છે.તે શેક માટે વપરાય છે.કુમળા પાન તથા દાંડી શાક-કચુંબરમાં વપરાય છે.પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન પુષ્કળ અફિણ વાવે છે અને ચોરી-છુપીથી વિશ્વના દેશોને વેચે છે.અફિણમાંમોર્ફિન,નિકોટીન,કોડિન,બેઇન,નાર્સિન,પાપાવરિન,કોટોમન,રીડિન,મેકોનિન,વસા,મેકોપાયસિન,સાકર,  ફીણ,કેલ્શિયમ,ક્ષાર,કાંજી,ટેનિન,ઓક્જેલીક,અમ્લ આદિ હોય છે.

અફણ કે અફિણ ના ભાવ પણ બહુ હોય છે એટલે તેનું વ્યસન આર્થિક રીતે પણ વ્યક્તીને પાયમાલ કરી શકે છે.

www.vadgam.com

લગ્નગીતો અને ફટાણાં

www.vadgam.com

(પ્રસ્તુત લેખના મૂળ લેખક આદરણિય શ્રી મણિલાલ હ. પટેલ સાહેબે આ લેખ મારા બ્લોગ ઉપર લખવાની પરવાનગી આપી તે બદલ તેઓશ્રી નો આભાર.આ લેખ જે પુસ્તકમાં તેઓશ્રી દ્વારા લખવામાં આવ્યો છે,તે પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતમા આપવામાં આવી છે.)

લોકગીતોના વર્તુળમાં લગ્નગીતો વ્યાસ જેવા છે.બધી જ કોમોને તથા ગોળ-વાડાઓને પોતપોતાના લગ્નગીતો છે.એમાં ઘણા ગીતોમાં સમાનતા મળે.કેટલાક ગીતોમાં શબ્દો ને લય જુદા પણ હોય. થોડાક ગીતો તો દરેક જ્ઞાતિ ને પોતાના આગવાં પણ હોવાનાં જ.વળી જૂની પેઢી દ્વારા ગવાતા લગ્નગીતોમાં નવી પેઢી થોડા ફેરફાર પણ કરે છે. દા.ત.-

 

કાળી કાળી વાદળીમાં વિમાન ઉડે,

નીચેની દુનિયા જોયાં કરે.....

ભણેલા ભૂદરભૈ છાપાં વાંચે

અભણ રેવીવહુ દીવો ધરે !

 

એક જમાનામાં ભણેલા ભૂધરભાઈઓ નામુ લખતા કે કાગળ વાંચતા ને અભણ વહુઓ પાણી ભરતા ને વાંસીદા વાળતા એવી રીતે પણ આવાં ગાણાં ગવાતાં.આજે ભણેલા અમિતભાઈ ટી.વી. જુવે ને અભણ મિતાવહુ સેવા કરે.... એમ ગવાય છે.સમાજજીવનમાં જેમ જેમ પરિવર્તન આવે છેતેમ તેમ લોકગીતોમાં- ખાસ તો લગ્નગીતોમાં પણ એના પડઘા પડે છે.જીવનધોરણ એનું પણ પ્રતિબિંબ ગીતોમાં પડે છે.એ દ્રષ્ટિએ જોઈએ તો બદલાતો સમાજ,એની આંતરિક ગતિવિધિઓને લગ્નગીતો સવિશેષ ઝીલે  છે.લગ્નગીતો હજી પ્રજાજીવનથી વિમુખ નથી થયા.બલકે આજેય એ કૈંક અંશે ગામડામાં તો ગવાય છે. જો કે ગાનારાઓની કોલેજિયન પેઢી (બહુ ઓછી એવી છોકરીઓ મળે જે કોલેજ-ભણતી હોય ને લગ્નગીતો ગાતી હોય; એને શરમ આવે છે; જો કે ડિસ્કો કે અદ્યતન  ફિલ્મીશાઈ ગરબા ગાતાં એને સંકોચ થતો નથી ! ) લગ્નગીતોમાં નવતા તાણીતૂસીને પણ  - નવીન સંદર્ભો લાવવા મથે છે.આવા સંમિશ્ર ગીતો અલગ અભ્યાસનો વિષય બને એમ છે. દા.ત. -

 

વીરો એલ.એ.બી.એલ ભણેલા,

વીરાને પહેરવા જોઈએ વોચ,

વીરાના સસરા લે છે લાંચ,

વીરો એલ.એ.બી.એલ. ભણેલા 

 

અહીં એલ.એ.બી.એલ. નામની પદવી પણ કાલ્પનિક છે.(બી.એ.,એલએલ.બી, નું મિશ્રણ કરીને પ્રાસ બેસાડનારી ગાનારી છોકરીઓ અમારી લુણાવાડાની આર્ટ્સ કોલેજમાં ભણેલી પટેલ કન્યાઓ છે.)આવાં ગીતોમાં વીરા (વરરાજા)ને શું શું જોઈએ તેની યાદી મુકીને કન્યાપક્ષની વ્યક્તિઓની નીતિમત્તાનું,પ્રવ્રુતિનું ખંડન કરવામાં આવે છે.લગ્નગીતોમાં વિધિવિધાનને લગતા તબ્બકાવાર ગવાતાં ગીતોમાં ઘણું વૈવિધ્ય છે,તો એ સાથે ગવાતાં ફટાણાંમાંય ખાસ્સી રંગીનતા છે.

 

ગણેશસ્થાપન પૂર્વે દશેક દિવસથી સાંજે (ભાવિ લગ્નપ્રસંગ મનાવવા) ગવાતાં સાંજીનાં ગીતો વર ને કન્યા બન્નેના ત્યાં ગવાય છે.જેમાં એમનાં અરમાનો તથા કૂળ-આબરૂની ધ્વજાઓ ફરકાવવામાં આવે છે.દા.ત. નદીને કિનારે રાયવર ઘોડો ખેલાવે.... / મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ,વળતા જાજે રે વેવાઈ-માંડવે રે... / દાદા હો દીકરી / લાડકડી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા.... / દીવડો ઘડ્યો રે લાંબી લાંઘોનો ફરતી ફૂંદડી મેલાવી દસબાર. / એક ઓડ તેડાવો ને ડુંગરા ગોડાવો....મારા મૈયરેથી બેની કોઈના આવ્યું. / ઘડીએક વેલો પરણેશ, ઘડી એક મોડો પરણેશ, / તારી અભણ લાડીને રાયવર નહી પરણે .../ મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની ચાંચ.../સોનાની ચાંચે મોરલો મોતી ચરવા જાય. જેવા અનેક ગીતો ઢળતી વૈશાખી રાત્રીઓના અજવાળિયાને સોહામણું બનાવી રહે છે.

 

કેટલાક સમાજોમાં મામેરું આગોતરું નોંતરાવામાં આવે છે.ત્યારે ગવાતાં ગીતોમાં મનને ભાવ-ભાવનાથી ભરી દેતું ગીત છે:

 

હું તો ચંપે ચડું ને કેળે ઉતરું

હું તો જોઉં મારા માડીજાયા વાટ્યો-

માંમેરા મોંઘા મૂલનાં....!

 

મામેરિયાઓને વેવાઈપક્ષની થોડી ગાળો પણ આપવામાં આવે છે-જેમાં જાતીયતાના સંકેતો પણ વણી લેવામાં આવે છે. દા.ત. -

 

માંડવે બેઠી ચકલી પલકારા મારે,

નાથડ,તારી શેનાળ પલકારા મારે,

મારા રેવાભૈને આબ્બા પલકારા મારે....

 

આવાં ફટાણા તો એકધિક અવસરે ગવાય છે.આમાં એક વિચિત્ર વાત એ છે કે સ્ત્રીઓ વડે ગવાતાં ગીતો-ફટાણાંમાં ગાળો પણ સ્ત્રીઓને લગતી જ આવે છે.પુરુષપ્રધાન સમાજ અને નારીમનની કોઈ મનોગ્રંથિઓ આની પાછળ કામ કરતાં હશે ? ન જાને ! ક્યાંક પુરુષને લબડધક્કે લેવાતાં ફટાણાં મળે.પન એમાંય ખાસ તો હજી ફૂવા  નહી બનેલા નવાસવા જમાઈ સાસરે આવે ત્યારે (સાળા-સાળીના લગ્નમાં કે એમ આવે ત્યારે ) એમને ગામની છોકરીઓ બરાબર નવાજે છે :

 

ઝેણી સિવાઈનો ટોપલો મેં રયજી માથે દીઠો રે,

કોદરાભૈના પાદરમાંથી છાંણા વીણતા દીઠો રે,

મીં જાણ્યું ભંગ્યોનો છોરો ઢેફે મારી કાડ્યો રે....

 

અથવા જમાઈની ફજેતી કરતું મજાકિયું ગીત ( જે લગ્નમંડપમાં કન્યાપક્ષેથીય ગવાય છે) :

 

વાલજી આયા સાસરે રે / છોરીએ માર્યા ખાસડે રે....

કાનમાં ઓર્યા કાંકરા રે...

ખરવર ખરવર થાય નેંચોના શીદ આયાતા સાસરે રે...

ચોટલી બાંધ્યું સૂપડુ રે...

ઝાટકઝૂટક થાય શેનાળના શીદ આયાતા સાસરે રે...

 

ચાર ચાર રાતોના ફૂલેકાં ફરીને પાંચમે દાડે પરણવા ઉઘલતા રાયવર માટે ગવાતાં ગીતોમાં મોટાઈ અને મોભો રજૂ થાય છે. આંબારાણને છાંયે વરજી કરે રે શણગાર /  એમનાં માતાનાં વખાણ, ભલ્લા શોભે રે રાયવર... / વરને લીંબુડી ભાત્યોના ધોતિયાં... / વરનાં મામીને હરખ ના માય રે / બાળો વરઘોડે ચડ્યો !

 

આમ મોંઢામાં પાન, માથે સાફો-કલગી-સહેરા ને હાથમાં રૂમાલ.જરાક આંજેલી આંખડી ને કેડે કટારીવાળા વરરાજા જેવા સસરાના ગામપાદરે જાનીવાસે કે મંડપે પહોંચે તેવા એમને લબડધક્કે લેવા કન્યાની સૈયરો ગાણા-ફટાણા લઈને ઉભી હોય છે.સામે વરપક્ષની જાનડીઓ પણ ગળાં ફાડીને જવાબ વાળે છે-આ વખતે ભડે ચઢેલા બન્ને પક્ષો વરકન્યાનો અલગ અલગ પક્ષ લઈને જોરદાર મુકાબલો કરે છે.એ ગીતોની તાસીર કૈક આવી છે.  

 

વાટે કૂતરી વાઈતી રે જગભરના બેટા,

હુવાવડ ઘાલવા ર્યોતો રે જગભરના બેટા.... 

*              *              *                *

 

છોરા રાજુ રે તું ચ્યમ કાળોમેંશ ?

તારી માએ ખાધાં જાંબુ રે જાંબુ ખાઈને જન્મ્યો રે -

તેમાં કાળોમેંશ... 

 

સામે વરપક્ષની જાનડીઓ જવાબ વાળે છે-

 

છોરી આવડી મોટી ચ્યાં રાખેલી ?

છોરી મકોડોની કોઠીમાં રાખેલી... 

 

ગરમાઓ ઘટતાં પેલા શાંત ગીતો વહેતાં થાય છે :

 

ઘરમાં ન્હોતા લોટા ત્યારે શીદ તેડ્યાતા મોટા

મારા નવલા વેવાઈ.... 

*             *              *                  *

 

મારા સંપતિયા વેવાઈ,તમે સાંભળો છો કે નંઈ રે ?

ભૂખો લાજી રે વેવઈ ભોજન આલાં છો કે  નંઈ ? 

 

આ વેળા વળી કોઈ નવજુવાન જમાઈ-સાળો બનેવી રુઆબભેર ફરતો કે કામ કરતો દેખાય તો જાનડીઓ એને નવાજે છે :

 

વડોદરાનો ઉંચો ટાવર,મનુલાલને ઘણો પાવર,

એ પાવર નંઈ ચાલે નંઈ ચાલે.... 

 

આમાં વેવાણને ઘણો પાવર પણ ગવાય...ને વાતાવરણમાં ગમ્મત મચી રહે છે,પણ અતિ ઉત્સાહમાં વાતાવરણ તંગ થઈ જાય એવાં ફટાણાય આવી જાય છે :

 

વેવાણ આઘી રે આઘી તારી ઘાઘરી ગંધાય... 

 

આવા ઘણાં ગાંણા-ફટાણાં નોંધી શકાય એમ છે.આ ગાણાંના લય,પ્રાસનુપ્રાસ તથા કાવ્યગુણ ધરાવતા સંકેતો પણ તરત ધ્યાન માં આવે છે.દરેક પક્ષને પોતાની મોટાઈ બતાવવી હોય છે.ગાણાં માં એવા વાનાં વણી લેવાની આ લોકરીતિઓ અભ્યાસપાત્ર છે.જાતીયતાના નિર્દેશવાળાં બે ફટાણા જુઓ.

 

શેરી વચ્ચે આંબલો ફાલ્યો લચકાલોળ રે રમતુડું વાગે....

ચિયા તારી શેનાળ ફૂલું લેવા જાય રે રમતુડું વાગે.....

નાનજી, તારી રૂખી ફૂલું લેવા જાય રે રમતુડું વાગે....

ફૂલું લેવ નથી જતી,ધણી કરવા જાય રે રમતુડું વાગે.... 

 

*             *              *                  *

 

મે તો જોઈ જોઈ તેડાંની વાટ્યો કે તેડું ના મોકલ્યું....

મારો દીવડો બળ્યો સારી રાત્ય કે તેડું ના મોકલ્યું....

વેવાઈનો પાક્યો સે ઓઠ કે તેડું ના મોકલ્યું.....

 

લગ્નવિધિ વખતે મંડપમાં બન્ને પક્ષે કેટલાક જાણીતા લગ્નગીતો ગાય છે નાણાવટી રે સાજન બેઠું માંડવે ...../ જેવા ગમગતા હીરા એવા કાળુભાઈના વીરા,નાણાવટી રે સાજન બેઠું માંડવે..../જેવા છાણમાંના કીડા એવા પન્નાવહુના વીરા, નાણાવટી રે સાજન બેઠું માંડવે.... ગોર ની પણ ખબર પુછાય છે. ગોરનું ગોળી એવડું પેટ, ગોર સટાપટીયું... વગેરે ફિલ્મોના ગીતોને આધારે ,શબ્દો બદલીને,એવા જ લયમાં ગવાતાં સંકર ગાણાં પણ આજકાલ સાંભળવા મળે છે,પણ એમાં લયભંગ તથા અતાર્તિક્તા વગેરે હોવાથી બધું દૂરાક્રુષ્ટ ને ક્યારેક તો એ અભદ્ર-વરવું લાગે છે.જૂની પરંપરામાં જે સહજતા ને અર્થપૂર્ણતા છે તે નવી પરંપરા રચનારા નથી લાવી શકતાં.એવા પ્રયત્નો ક્રુતક લાગ્યા છે.  

 

એટલે,કન્યાવિદાયના પેલા ગીતો ; તને સાચવે તારો પતિ,અખંડ સૌભાગ્યવતી કે એક આંબો ઉછેર્યો સવા લાખનો,સુખની વેળાએ સૂડીલો લૈ ગયો - સ્વજનો ને રડાવી દે છે ! અમે ઇડરિયો ગઢ જીત્યાં રે ... ગીત સાથે કન્યા વિદાય થાય છે...અને ચડ લાડી,ચડ લાડી,રૂડી બતાવું તારી સાસરી સાથે વરકન્યા પોંખાય છે...! લગ્નગાળો પૂરો થઈ જાય પછી કેટલાય દિવસો સુધી કાનમાં એ ઢોલશરણાઈ સાથે આ ગાણાં સંભળાયા કરે છે આજેય ! પણ હવે લગ્નગીતો બદલાતાં ને ધીમે ધીમે લુપ્ત થતાં જાય છે...એનેય હવે તો સ્મરણની દાબડીમાં સાચવવાં રહ્યા !

પુસ્તક પ્રાપ્તિ ની વિગત પુસ્તક:-"ભૂંસાતા ગ્રામચિત્રો",પ્રકાશક-મણિલાલ હ.પટેલ,"સહજ બંગલો,શાસ્ત્રીય માર્ગ,વલ્લભવિધ્યાનગર-, મૂલ્ય- રૂ.૨૫૦/- ફોન-૦૨૬૯૨-૨૩૨૬૦૬ ]

 

 

સનેડો એટલે શું ?

( લગ્ન પ્રસંગે યોજાતા રાસ-ગરબા વખતે સનેડો ગવાતો ત્યારે મનમાં થતુ,આ સનેડો એટલે શું ? કોઈની પાસે સાચો જવાબ મળતો ન હતો અંતે એક સરસ પુસ્તક હાથ લાગ્યું "લોકમહાકાવ્ય અને બીજા લેખો" જેના લેખક છે શ્રી હસુ યાજ્ઞિક. આ લેખ ઉપરોક્ત પુસ્તક માંથી સાભાર લેવામા આવ્યો છે અને લોકો સુધી આ માહિતી પહોંચે તેવા શુભ આશયથી અહીં ઉપરોક્ત પુસ્તકમાંથી લઈને અહીં મુકવામાં આવ્યો છે.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતમાં આપવામાં આવી છે.- નિતિન પટેલ

www.vadgam.com

સાખીયુક્ત રમૂજી નાટ્યાત્કમક કથાગીતનો,પૂર્વ પરંપરામાં નવું પોષણ પામીને વિકસેલો અને લોકપ્રિય બનેલો એક પ્રકાર એટલે સનેડો. વિશેષત: ઉત્તર ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા,લોકરંજક તત્વો,વિશિષ્ઠ કથા વસ્તુ અને લોક ઢાળ ધરાવતા આ આધુનિક પ્રકારનાં મૂળ પ્રાચિન-મધ્યકાલીન રમૂજી નાટ્યાત્મક ગીતોની પરંપરામાં છે.

સનેડોની વ્યુત્પત્તિ સંસ્ક્રુત શબ્દ સ્નેહને  ડો પ્રત્યય લગાડીને થઈ છે સ્નેહ નું સનેહ થયું. તેને વાત્સલ્ય તિરસ્કારસૂચક ડો પ્રત્યય લાગતાં સનેહડો > સનેડો થયું

આ પ્રકારનાં મૂળ સત્તરમી સદી જેટલાં તો ઉંડા છે જ અને તેના પ્રસાર-પ્રસ્તાર ઉત્તર ગુજરાતથી માંડીને છેક મારવાડ-રાજસ્થાન સુધી થયો છે.આ ઉપહાસાત્મક ને નાટ્યાત્મક કથા-ગીત પ્રકારનું નામ.તે સમયે નેહડો > નેડો એમ થયું છે.

ભવાઈ, કઠપૂતળી અને એવી લોકમનોરંજક કલાઓનો એક હેતુ લોકોને સદ્દબોધ,શિક્ષણ આપવાનો હતો. આથી જ્યારે કોઈ આડાસબંધના અવૈધ પ્રેમસબંધની ઘટના બનતી ત્યારે આવી ઘટનામાં પાત્રોની ઠઠ્ઠા-મશ્કરી કરતાં ઉપહાસાત્મક કટાક્ષપૂર્ણ કથાકાવ્યો લખાતાં અને તે વિશિષ્ઠ ઢાળમાં ન્રુત્યાત્મક રજૂઆત પામતા.આવા ગીતોમાં બનતી ઘટનાઓને દોહરાની સાખીઓમાં વર્ણવવામાં આવતી હતી.આવું એક કટાક્ષસભર ગીત બાવા અને વાણિયણના અનૈતિક પ્રેમનું હતું. એનો ઢાળ પણ આજે સાંભળવા મળતાં સનેડો જેવો જ હતો અને એમાં પણ વચ્ચે વચ્ચે સાખીઓ આવે છે.એમાં એક સાખી આવી હતી.જે અન્યનો પણ પરિચય આપે છે.:

વાણિયો લાવે ટોપરાં,બાવો લાવે ગોળ !

ટોપરાંના તો ગળે કૂચા વળે,ગળ્યો લાગે છે ગોળ

રે બાવાજી ! હું તો તમારી ચેલી.

આ ગીત અને એનો ઢાળ એટલો તો લોકપ્રિય અને પરિચિત હતો કે જૈનસ્ત્રોતના એક રાસના ગેય ઢાળમાં હું તો થારી ચેલી ગુરુજી ! એવો ગાન નિર્દેશ થયો છે. ખૂબ જ પ્રચલિત ગીત અને તેનું જ ઢાળ નિર્દેશમાં ઉદાહરણ આપવામાં આવતું હતું.આના આધારે કહી શકાય કે આ ગીત ગુજરાત-રાજસ્થાનમાં પણ પ્રખ્યાત હતું અને તેનો ઢાળ સુપરિચિત બની ગયો હતો.

આ પછીની ભવાઈમાં તથા દેશી નાટકોની ઇંંટરલ્યૂડ જેવી રચનાઓમાં લંગડો જમાદાર અને મોચણનો નેડો ગવાતો જેમાં મને મોચણને  વટલાવી જમાદાર.નેડો લાગ્યો રે તારા નામનો રે ! એમ ગવાતું ને એની પાછળ લંગડાતો જમાદાર ગાતો ગાતો પ્રવેશતો: ખમ્મા મોચણ ખમ્મા તને ઘણી ખમ્મા !

આ ગીત પ્રકારમાં ગાનઢાળમાં ઉત્તર ગુજરાતના લોકગીત ગાયક મણિરામ બારોટે સનેડો ગાયો અને તે એટલો લોકપ્રિય અને રંજક બન્યો કે અબાલ-યુવાનો વિવિધ નિમિત્તે આ ગીત ગાવા લાગ્યા ને કેસેટની માંગ એટલી વધી કે પધકારો પાસે નવા નવા સનેડા લખાવાયા અને તે આ મૂળ ઢાળમાં સાખી સાથે ગવતાં થયા. ૨૦૦ -૨૫૦થી વિશેષ રચનાઓ અસ્તિત્વ માં છે.

[કુલ પાન : 274. (પાકું પૂઠું). કિંમત રૂ. 175. પ્રાપ્તિસ્થાન : ગુર્જર એજન્સી,રતનપોળ નાકા સામે,ગાંધીમાર્ગ. અમદાવાદ 380001. પ્રકાશક.હસુ યાજ્ઞિક.૧-પદ્માવતી બંગલો,ભાવિન વિધ્યાવિહાર સામે,પાનેતર પાર્ટી પ્લોટ પાછળ થલતેજ અમદવાદ.]